તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
નકલી મેટ્રિમોનિયલ સાઈટ-કોલસેન્ટરનો પર્દાફાશ : ૭ મહિલા સહિત ૮ની ધરપકડ
‘શાદીપાર્ટનર.કોમ'ની આડમાં આગ્રાના વકીલની ગેન્ગે દેશભરના અસંખ્ય લગ્ન વાંચ્છુઓને લગ્નના ખોટા વાયદા આપી છેતર્યા

નવી દિલ્હી, તા. ૧૬ : દિલ્હી મધ્ય જિલ્લાની સાયબર પોલીસ ટીમે લગ્ન કરાવવાના નામે પુરુષો સાથે છેતરપિંડી આચરતા એક કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ આગ્રાના એક માસ્ટરમાઈન્ડ-વકીલ દ્વારા ચલાવવામાં આવી રહી હતી, જે ‘શાદી-પાર્ટનર ડોટ કોમઁ' નામના બ્રાન્ડેડ મેટ્રિમોનિયલ પોર્ટલની આડમાં દેશભરમાં લગ્ન વાંચ્છુ પુરુષોને ફસાવતી હતી. પોલિસે ગેંગના માસ્ટરમાઈન્ડ, એલએલબી કરી ચૂકેલા વકીલ અમિત કુમાર અને કંપનીની મેનેજર જયા શાકય સહિત સાત મહિલા ટેલીકોલર્સની ધરપકડ કરી છે. એનસીઆરપી પોર્ટલ પર આ ગેંગ સંબંધિત છ ફરિયાદો સામે આવી છે.
પોલીસને આશંકા છે કે ગેંગે છેલ્લા એક વર્ષમાં હજારો પુરુષોને શિકાર બનાવીને છેતરપિંડી આચરી છે. તેમના કબજામાંથી એક કાર, ૫૦ હજાર રોકડા, સાત ડેસ્કટોપ સીપીયુ અને ૪૭ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. મધ્ય જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, એનસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદની તપાસમાં ખુલ્યું કે આ મામલો ‘શાદીપાર્ટનર.કોમ' નામના નકલી વેબ પોર્ટલ દ્વારા ચાલતા સંગઠિત અને દેશવ્યાપી લગ્ન વિષયક સાયબર ફ્રોડ સિન્ડિકેટ સાથે જોડાયેલો છે. પીડિતોને ફસાવવા માટે, ઠગો શરૂઆતમાં તેના વોટ્સએપ પર આકર્ષક યુવતીઓના ફોટા મોકલતા હતા. ભરોસો મજબૂત કરવા અને અસલી મેચમેકિંગ પ્રક્રિયા જેવું વાતાવરણ ઊભું કરવા માટે, સિન્ડિકેટે ફોન પર વાતચીતનું નાટક કર્યું અને શિકાર તથા સંભવિત દુલ્હન વચ્ચે સીધી વાતચીત કરાવતા હતા. પીડિત રસ દાખવે ત્યારે અલગ-અલગ તબક્કામાં નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. ફરિયાદી પાસેથી રજીસ્ટ્રેશન ચાર્જ, પ્રોફાઈલ એક્સેસ ફી, પ્રોફાઇલ એક્ટિવેશન ચાર્જ અને કોન્ટેક્ટ અનલોક ફી જેવા વિવિધ બહાના હેઠળ કુલ ૧૫ હજાર રૂપિયા પડાવી લીધા હતા.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
