<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

સહારનપુર પીએનબી કરન્સી ચેસ્ટમાંથી ₹૧૭.૨૯ કરોડની નકલી નોટો મળવા પ્રકરણ: NIA દ્વારા બે મુખ્ય આરોપીઓની ધરપકડ

નકલી ભારતીય ચલણ છાપવા અને સપ્લાય કરવાના કાવતરાનો પર્દાફાશ: હરિયાણા અને હિમાચલ પ્રદેશથી ઝડપાયા માસ્ટરમાઇન્ડ

સહારનપુર :  ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પંજાબ નેશનલ બેંક ની કરન્સી ચેસ્ટમાંથી ₹૧૭.૨૯ કરોડની જંગી રકમની નકલી ભારતીય ચલણી નોટો મળી આવવાના ચકચારી કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા અત્યંત મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીએ આ નકલી નોટો છાપવા અને સપ્લાય કરવાના કથિત કાવતરામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ સમગ્ર રેકેટના તાર જોડવાની કવાયત વધુ વેગવંતી બની છે.

NIA દ્વારા પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, આ પ્રકરણમાં પકડાયેલા બંને મુખ્ય આરોપીઓની ઓળખ અજય કુમાર (પિતાનું નામ - રમેશ ચંદ, નિવાસી - હરિયાણા) અને હરીશ રૌંતા (પિતાનું નામ - દેવી ચંદ રૌંતા, નિવાસી) તરીકે કરવામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ બંને આ સમગ્ર ષડયંત્રના મુખ્ય સૂત્રધાર છે અને અગાઉ પકડાયેલા અન્ય આરોપીઓના અત્યંત નજીકના સહયોગી છે.

એજન્સી દ્વારા અજય કુમારની ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હરિયાણાના અંબાલાથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજા મુખ્ય આરોપી હરીશ રૌંતાને ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ હિમાચલ પ્રદેશના મનાલીથી દબોચી લેવામાં આવ્યો છે. NIA હવે આ બંનેના રિમાન્ડ મેળવીને તેમના અન્ય સંપર્કો અને નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગત ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ થયો હતો. સહારનપુર જિલ્લાના સદર બજાર પોલીસ સ્ટેશનને વિશ્વસનીય બાતમી મળી હતી કે પંજાબ નેશનલ બેંકની કરન્સી ચેસ્ટમાં અદલાબદલી કરીને અથવા સંગ્રહ કરીને રૂ. ૧૭.૨૯ કરોડની નકલી ભારતીય ચલણી નોટો પહોંચાડવામાં આવી છે. શરૂઆતની તપાસમાં બેંકના ત્રણ કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા બેંકે તેમને તરત જ સસ્પેન્ડ કરી દીધા હતા.

આ ગંભીર મામલાને ધ્યાનમાં રાખીને સદર બજાર પોલીસ સ્ટેશને  એફઆઈઆર નંબર 0431/2026 (BNS, 2023 ની કલમ 178 હેઠળ) નોંધીને તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કેસની રાષ્ટ્રીય સ્તરની સંવેદનશીલતા અને ગંભીરતાને જોઈને કેન્દ્ર સરકારના આદેશથી NIA એ ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ આ કેસ પોતાના હાથમાં લીધો હતો અને  ગુનો નોંધીને સઘન તપાસ શરૂ કરી હતી.

આ બે મુખ્ય આરોપીઓની ધરપકડ પહેલાં પણ NIA દ્વારા આ કેસમાં અલગ-અલગ દરોડા અને કાર્યવાહી દરમિયાન પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા ૭, ૧૫, ૨૦ અને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ હાથ ધરેલી કાર્યવાહીમાં અમિત કુમાર, આદેશ ચૌધરી, મુકેશ કુમાર, રાજેન્દ્ર અને નીતુની ધરપકડ કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે તાજેતરમાં પકડાયેલા અજય કુમાર અને હરીશ રૌંતા અગાઉ પકડાયેલા આરોપી આદેશ ચૌધરી તથા અન્ય સહયોગીઓ સાથે ગાઢ સંપર્કમાં હતા.

 રાષ્ટ્રીય તપાસ એજન્સી નું મુખ્ય ધ્યાન હાલમાં નકલી નોટો કઈ જગ્યાએ છાપવામાં આવતી હતી, તેનો સપ્લાય ક્યાંથી થતો હતો અને બેંકની કરન્સી ચેસ્ટ સુધી આ જંગી રકમ કેવી રીતે પહોંચાડવામાં આવી તેની કડીઓ મેળવવાનું છે. એજન્સી દ્વારા આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદોની પણ સઘન ઓળખ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં અન્ય ધરપકડ પણ થઈ શકે તેવી પૂરી સંભાવના છે.

(8:12 PM IST)