તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
તમારી માતાના પગે પડીને પાપોની માફી માંગો: મિલકત વિવાદમાં કઠોર વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે પુત્રને મોટો ઠપકો આપ્યો
ટ્રાયલ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી પુત્રની અપીલ ફગાવી: હિન્દુ ધર્મમાં માતૃદેવો ભવઃ નો પાઠ ભણાવ્યો

નવી દિલ્હી: માતા-પિતા સાથેના મિલકતના વિવાદમાં સુપ્રીમ કોર્ટે એક કડક ચુકાદો આપતા પુત્રને ભારે ઠપકો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સંસ્કાર અને ધર્મનો પાઠ ભણાવતા અરજદાર પુત્રને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમારી માતા પાસે પાછા જાઓ, તેમના પગ સ્પર્શ કરો અને તમારા તમામ પાપો માટે માફી માગી તેમના આશીર્વાદ લો". આ સાથે જ અદાલતે માતા-પિતાની તરફેણમાં ચુકાદો આપી પુત્રની અરજી ફગાવી દીધી છે.
કેસની વિગતો મુજબ, દિલ્હીના આ કેસમાં માતા-પિતા પાસે મિલકતની એકમાત્ર માલિકીનો અધિકાર હતો. તેમણે પ્રેમ અને સ્નેહના કારણે પુત્ર અને પુત્રવધૂને મકાનના પ્રથમ માળે કોઈપણ ભાડું ચૂકવ્યા વિના રહેવા માટે લાઇસન્સધારક તરીકે મંજૂરી આપી હતી. જોકે, બાદમાં પુત્ર અને વહુએ માતા-પિતાને હેરાન કરવાનું શરૂ કર્યું અને આખી મિલકત પોતાના નામે ટ્રાન્સફર કરવા દબાણ આચર્યું. આટલું જ નહીં, ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે માલિકીનો દાવો પણ કર્યો હતો.
પુત્ર અને પુત્રવધૂની હેરાનગતિથી કંટાળીને માતા-પિતાએ અખબારમાં જાહેર નોટિસ આપીને પુત્ર સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. આ સાથે જ પુત્ર વિરુદ્ધ એફઆઈઆર (FIR) દાખલ કરાવીને તેમને આપેલી રહેવાની મંજૂરી (લાઇસન્સ) રદ કરી દીધી હતી અને મકાનનો પ્રથમ માળ ખાલી કરવા નોટિસ પાઠવી હતી. ત્યારબાદ માતા-પિતાએ મિલકતનો કબજો પાછો મેળવવા અને વળતર માટે કાનૂની દાવો દાખલ કર્યો હતો.
આ કેસમાં ટ્રાયલ કોર્ટે માતા-પિતાની તરફેણમાં ચુકાદો આપતા ઠેરવ્યું હતું કે, પુત્ર માત્ર લાઇસન્સધારક હતો અને લાઇસન્સ રદ થતાં તેણે મકાન ખાલી કરવું પડશે. દિલ્હી હાઈકોર્ટે પણ ૧૭ એપ્રિલે ટ્રાયલ કોર્ટના આ હુકમને સમર્થન આપ્યું હતું. આથી, પુત્રએ સુપ્રીમ કોર્ટમાં ખાસ રજા અરજી (SLP) દાખલ કરી હતી.
ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયાધીશ એન.કે. સિંહની પીઠે આ અરજી સાંભળતા હિન્દુ ધર્મમાં માતાના સર્વોચ્ચ સ્થાનનો ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ શર્માએ કોર્ટરૂમમાં હાજર વકીલોને પણ સંબોધીને પૂછ્યું હતું કે, "શું પુત્રનું આ કૃત્ય ખોટું નથી? અમે તેને તેની ભૂલ સમજીને માતા પાસે જઈ માફી માંગવા કહી રહ્યા છીએ". સુપ્રીમ કોર્ટે પુત્રની અપીલ ફગાવી દેતા માતા-પિતાના મકાન ખાલી કરવાના આદેશને બહાલ રાખ્યો છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
