તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જમ્મુ-કાશ્મીરમાં પ્રસિદ્ધ ગુલમર્ગ ગોંડોલા ટેક્નિકલ ખામી : સેંકડો પ્રવાસીઓ હવામાં ફસાયા : સેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાની ખાતરી આપી :હાલ ભારતીય સેના અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ

જમ્મુ-કાશ્મીરના વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ ગુલમર્ગમાં સોમવારે એક ગંભીર ઘટના બની છે. પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય એવા ગુલમર્ગ રોપવે જેને ગુલમર્ગ ગોંડોલા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે હવામાં અધવચ્ચે જ થંભી ગયું હતું.
આ ઘટનાને કારણે હવામાં લટકી રહેલા રોપવેના કેબિનમાં સવાર સેંકડો પ્રવાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. અચાનક કેબિન અટકી જતાં બાળકો અને વયોવૃદ્ધ પ્રવાસીઓમાં ભારે ગભરાટ અને અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક પ્રવાસીઓ ભયના માર્યા રડવા પણ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને શ્રીનગરથી ખાસ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. હાલમાં ભારતીય સેનાની મદદથી સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જણાવીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે તાલીમબદ્ધ ટીમો કામ કરી રહી છે.
ગુલમર્ગ ગોંડોલા એશિયાનો સૌથી ઊંચો અને સૌથી લાંબો કેબલ કાર પ્રોજેક્ટ છે. તે બે તબક્કામાં કાર્યરત છે: પ્રથમ તબક્કો ગુલમર્ગથી કોંગદોરી સુધી અને બીજો તબક્કો અફરવતની ટેકરીઓ સુધી પહોંચે છે. અહીંથી બરફથી ઢંકાયેલી પહાડીઓના અદભૂત નજારા જોવા મળે છે, જેના કારણે આ સ્થળ પર્યટકોની પહેલી પસંદ છે. જોકે, આ ઘટના બાદ રોપવેના સુરક્ષા ધોરણો અને તેના મેન્ટેનન્સ પર ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા હવે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેવી શક્યતા છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
