<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

માત્ર ₹2 વધુ વસૂલવા હાથરસના પ્રખ્યાત રેસ્ટોરન્ટને ભારે પડ્યા: ગ્રાહક કોર્ટે ફટકાર્યો ₹1.06 લાખનો જંગી દંડ

MRP કરતાં વધુ કિંમત વસૂલીને દાદાગીરી કરતા વેપારીઓ અને રેસ્ટોરેન્ટ માલિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

અલીગઢ: ગ્રાહકોના હક્કોની સુરક્ષા અને વેપારીઓની મનમાની પર લગામ લગાવતો એક આંખ ઉઘાડનારો કિસ્સો ઉત્તર પ્રદેશના હાથરસ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંના જાણીતા 'BBCN રેસ્ટોરન્ટ'માં એક ગ્રાહક પાસે ₹18 ની પ્રિન્ટેડ MRP વાળી પાણીની બોટલના ₹20 વસૂલ કરવામાં આવ્યા હતા અને તેના પર અલગથી GST પણ ઉમેરી દેવામાં આવ્યો હતો. જ્યારે જાગૃત ગ્રાહકે આ ગેરકાયદેસર વધારાના ચાર્જ સામે વાંધો ઉઠાવ્યો અને ₹2 પરત માંગ્યા, ત્યારે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે પૈસા પાછા આપવાને બદલે અહંકારપૂર્ણ વર્તન કર્યું હતું.

રેસ્ટોરન્ટના સ્ટાફે ગ્રાહક સાથે દલીલ કરતા એવું મેણું માર્યું હતું કે, "જો તમે કોઈ મોટી હોટેલમાં ગયા હોત, તો આ જ પાણીની બોટલ માટે તમારે ₹50 આપવા પડ્યા હોત." રેસ્ટોરન્ટની આ દાદાગીરી અને ઉદ્ધત વર્તનથી નારાજ થઈને ગ્રાહકે વકીલ મારફતે કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો. વકીલ અંકુર અગ્રવાલ અને અમિત તોમર મારફતે રેસ્ટોરન્ટને લીગલ નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ રેસ્ટોરન્ટ તરફથી કોઈ જવાબ ન મળતાં આ મામલો અલીગઢ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચ (CDR) સમક્ષ પહોંચ્યો હતો.

ગ્રાહક પંચ દ્વારા રેસ્ટોરન્ટને વારંવાર સમન્સ અને નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં, અહંકારમાં અંધ રેસ્ટોરન્ટનો કોઈ પણ પ્રતિનિધિ કોર્ટ સમક્ષ હાજર થયો નહોતો. પંચે આ વલણને અત્યંત ગંભીરતાથી લઈને એકપક્ષીય કડક ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે રેસ્ટોરન્ટને જિલ્લા ગ્રાહક કલ્યાણ ભંડોળમાં ₹1 લાખનો જંગી દંડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગ્રાહકને માનસિક ત્રાસ બદલ ₹1,000 અને કાનૂની ખર્ચના ₹5,000 મળીને કુલ ₹1,06,000 ચૂકવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.

(9:27 PM IST)