<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરની એન્ટ્રી: સમય રૈનાને ભણાવ્યો શિસ્ત અને તહેઝીબનો પાઠ!

કોમેડીના નામે સંવેદનશીલ મુદ્દાઓ પર વાંધાજનક મજાક સામે કૈલાશ ખેરે વ્યક્ત કર્યો વિરોધ; કહ્યું- મનોરંજનની સાથે મર્યાદા, શિસ્ત અને સંવેદનશીલતા પણ જરૂરી

મુંબઈ : પ્રખ્યાત કોમેડિયન સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨' માં બિહારીઓ અને કાશ્મીરી પંડિતોના વિસ્થાપન જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર કરવામાં આવેલી ટિપ્પણીઓનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ભારે વિરોધ વચ્ચે હવે બોલિવૂડના જાણીતા ગાયક કૈલાશ ખેરે પણ આ મામલે પોતાનું નિવેદન આપીને કલાકારોને શિસ્ત અને મર્યાદા જાળવવાની કડક સલાહ આપી છે.

 

આ સમગ્ર વિવાદ શોના તાજેતરના એપિસોડમાં પેનલિસ્ટ શેરોન વર્મા અને સમય રૈના વચ્ચે થયેલી વાતચીત બાદ શરૂ થયો હતો. બંને વચ્ચે એકબીજાના મૂળ (બિહાર અને કાશ્મીર), રોજગાર માટે થતું સ્થળાંતર અને કાશ્મીરી પંડિતોની કરૂણ પરિસ્થિતિ જેવા ગંભીર વિષયો પર મજાક કરવામાં આવી હતી. આ ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ભારે અસંવેદનશીલ ગણાવીને સમય રૈના અને શોના આયોજકોની આકરી ટીકા કરી હતી, જ્યારે કેટલાક રાજકીય નેતાઓએ પણ આ સામે વાંધો ઉઠાવ્યો છે.

 

આ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં કૈલાશ ખેરે સંગીતનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, જેમ સંગીતમાં ધૂનની સાથે શિસ્તનું મહત્વ છે, તેમ વાતચીતમાં પણ 'ચૈતન્ય' (સજાગતા) અને 'તહેઝીબ' (શિષ્ટાચાર) હોવા જોઈએ. જો કોઈ કલાકાર પોતાની મર્યાદા ચૂકશે તો તે હાસ્યને બદલે કોઈની મજાક ઉડાવવાની સ્થિતિમાં પહોંચી જશે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હાસ્યની પણ એક ચોક્કસ સરહદ હોવી જોઈએ જેથી કોઈ સમુદાયની લાગણી દુભાય નહીં.

 

 

(8:11 PM IST)