<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

જયપુરમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર ચઢ્યો ફેન: ડરીને ગાયિકા સુનંદા શર્માએ ચીસ પાડી

સુરક્ષાકર્મીઓએ યુવકને સ્ટેજ પરથી ઉતાર્યો: ગાયિકા અધવચ્ચે કાર્યક્રમ છોડીને જતાં વીડિયો વાયરલ

જયપુર: પંજાબી ગાયિકા સુનંદા શર્માના જયપુરમાં યોજાયેલા લાઈવ કોન્સર્ટ દરમિયાન અચાનક એક યુવક સ્ટેજ પર ચઢી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવકને પોતાની તરફ આવતો જોઈ ગાયિકા ગભરાઈને જોરથી ચીસ પાડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ, 30 ઓક્ટોબરના રોજ જયપુરના બસ્સી વિસ્તારના દયારામપુરામાં આવેલી આનંદ ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં સુનંદા શર્માનો કાર્યક્રમ યોજાયો હતો. ગાયિકા ગીત રજૂ કરી રહી હતી ત્યારે સફેદ શર્ટ પહેરેલો એક યુવક અચાનક સ્ટેજ પર ચઢી ગયો હતો.

યુવકને સ્ટેજ પર જોઈ સુનંદા શર્મા ચોંકી ગઈ હતી. ઘટનાની ગંભીરતા સમજી સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક દોડી આવી યુવકને સ્ટેજ પરથી નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન ગાયિકા પોતાની ટીમને વારંવાર 'ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે' કહેતી સંભળાય છે. જોકે, આ ઘટના બાદ તેઓ કાર્યક્રમ અધવચ્ચે છોડીને સ્ટેજ પરથી નીચે ઊતરી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં એપ્રિલ મહિનામાં ગાઝિયાબાદના એક કાર્યક્રમમાં પણ સુનંદા શર્મા સાથે આવી જ ઘટના બની હતી. ત્યારે પણ એક યુવક સુરક્ષા વ્યવસ્થા ઓળંગીને સ્ટેજ પર પહોંચી ગયો હતો.

(3:49 PM IST)