<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ઓસ્ટ્રેલિયામાં વેટ સીઝનની વિદાય: ચોમાસું ભારત તરફ આગળ વધવા માટે એકદમ તૈયાર

ઓસ્ટ્રેલિયામાંથી મોસમી ગતિવિધિઓ પાછી ખેંચાય ત્યારે દક્ષિણ એશિયા તરફ આગળ વધતા ચોમાસાનો છેલ્લો અવરોધ દૂર થઈ જાય

મે મહિનામાં ભારતનો પારો ભલે થોડો નીચે રહ્યો હોય, પણ હવામાન વિભાગ(IMD)ના સંકેતો કંઈક અલગ જ કહી રહ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમનના સંકેતો દિવસેને દિવસે મજબૂત બની રહ્યા છે. કેરલમ અને તમિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે સ્પષ્ટ કરે છે કે ચોમાસું તેના નિર્ધારિત સમય એટલે કે 1 જૂનની આસપાસ કેરલમના તટે પહોંચશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં ક્યારે વરસાદ પડશે તેનો જવાબ હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં છુપાયેલો છે?

હાલમાં જ ઓસ્ટ્રેલિયાના બ્યુરો ઓફ મીટીરોલોજીએ જાહેરાત કરી છે કે, ઉત્તર ઓસ્ટ્રેલિયામાં 2025–26ની વેટ સીઝન સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ છે. સામાન્ય માણસને કદાચ આ બીજા દેશના હવામાનના સમાચાર લાગે, પરંતુ ભારતીય ખેતી અને વરસાદ પર નજર રાખતા હવામાનશાસ્ત્રીઓ માટે આ એક મોટો સંકેત છે. ઓસ્ટ્રેલિયામાંથી મોસમી ગતિવિધિઓ પાછી ખેંચાય ત્યારે દક્ષિણ એશિયા તરફ આગળ વધતા ચોમાસાનો છેલ્લો અવરોધ દૂર થઈ જાય છે. હવે ચોમાસું ઉત્તર તરફ ભારત તરફ આગળ વધવા માટે એકદમ તૈયાર છે.

આ જોડાણને સમજવા માટે પૃથ્વી પરના વરસાદના એક વિશાળ પટ્ટાની કલ્પના કરો, જેને વૈજ્ઞાનિક ભાષામાં ITCZ (Intertropical Convergence Zone) કહેવામાં આવે છે. પૃથ્વીના વિષુવવૃત્ત  પાસે વાદળો અને વરસાદનો એક અદૃશ્ય પટ્ટો સતત ફરતો રહે છે. આ પટ્ટો હંમેશા સૂર્યની પાછળ ચાલે છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે, ત્યારે તે ઉત્તર તરફ (ભારત તરફ) ખસે છે અને જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે, ત્યારે તે દક્ષિણ તરફ (ઓસ્ટ્રેલિયા તરફ) જાય છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાની વેટ સીઝન પૂરી થાય છે, ત્યારે આ પટ્ટો દક્ષિણમાંથી મુક્ત થઈને ઉત્તર તરફ ઝડપથી આગળ વધે છે. તે પોતાની સાથે સમુદ્ર પરથી ભેજવાળા પવનો ખેંચી લાવે છે, જે ભારતમાં વરસાદ આપે છે.

 

(9:09 PM IST)