તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
મોરબીના જેતપરમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન ૧૧મા દિવસે પણ યથાવત : સરકારે મોકલેલું લેખિત આમંત્રણ ખેડૂતોએ ફગાવ્યું : ૬ મુદ્દાઓનું લેખિત વિવરણ ન મળે ત્યાં સુધી ગાંધીનગર ન જવા ખેડૂતો મક્કમ
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સરકારનું વલણ હકારાત્મક ગણાવી વીજ લાઇન કામગીરી બંધ હોવાની કરી સ્પષ્ટતા : સામા પક્ષે ઉપવાસી નેતા નેહુલ અમૃતિયાએ દ્વારકા-કોંઢના અધૂરા આશ્વાસનોનો હવાલો આપી સરકાર પર અવિશ્વાસ વ્યક્ત કર્યો અને આરપારની લડતની જાહેરાત કરી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ લાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતો છેલ્લા ૧૧ દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ સંવેદનશીલ મામલે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણીઓ અંગે રાજ્ય સરકાર સંપૂર્ણપણે હકારાત્મક વલણ ધરાવે છે અને ખેડૂતોના વિશાળ હિતમાં મુક્ત મને નિર્ણય લેવા માટે તત્પર છે. મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનોની રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે ટેલિફોનિક વાતચીત પણ થઈ છે. કલેક્ટરે ઉમેર્યું કે ટેકનિકલ અને કાયદાકીય બાબતોનો ઉકેલ માત્ર ફોન પર સંભવ ન હોવાથી, સરકાર દ્વારા ખેડૂતોને રૂબરૂ સંવાદ માટે લેખિત આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ પત્ર મોરબી એસડીએમ (પ્રાંત અધિકારી) અને ડીવાયએસપી મારફત ખેડૂત સમિતિ સુધી પહોંચાડવામાં આવશે. સરકાર રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય લેવા તૈયાર છે અને ખેડૂતો તેમજ સરકાર બન્નેને અનુકૂળ સમયે મોરબી અથવા ગાંધીનગરમાં રૂબરૂ બેઠક યોજી શકાય તેમ છે. હાલ જેતપર ગામે વીજ થાંભલાની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. માત્ર એક ખાડો જોખમી હોવાથી કંપનીએ આજે તેની કામગીરી શરૂ કરી હતી. કલેક્ટરે ખેડૂતોને કોઈ અસમંજસમાં ન રહેવા, ગેરમાર્ગે ન દોરાવા અને પ્રશ્નના ઝડપી નિકાલ માટે ટેબલ પર બેસીને ચર્ચા કરવા અપીલ કરી છે.
બીજી તરફ, સરકાર તરફથી મળેલા આ આમંત્રણ પત્રને આંદોલનકારી ખેડૂતોએ અસ્વીકાર કર્યો છે. ૧૧ દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, એસડીએમ અને ડીવાયએસપી જે પત્ર લઈને આવ્યા હતા તેનું વાંચન કર્યા બાદ અમે તેનો અસ્વીકાર કર્યો છે. અમે સરકાર અને ઉર્જા વિભાગ પાસે માંગ કરી છે કે અમારી ૬ મુદ્દાની જે રજૂઆત છે, તેમાં સરકાર કયા મુદ્દાઓ ૧૦૦ ટકા સ્વીકારે છે અને કયા મુદ્દાઓમાં ફેરફાર કરવા માંગે છે તેનું લેખિત વળતું જવાબ કે વિવરણ આપે. જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ખેડૂત ગાંધીનગર ચર્ચા કરવા જશે નહીં અને ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે. ખેડૂતોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ ઊભો થવાનું કારણ આપતા નેહુલ અમૃતિયાએ કહ્યું કે, છેલ્લા ૮ મહિનાથી દ્વારકા અને કોંઢ સહિતની જગ્યાઓએ ખેડૂતો રજૂઆત કરવા ગયા પરંતુ તેમને માત્ર મૌખિક આશ્વાસનો જ મળ્યા છે. આથી, જ્યાં સુધી સરકાર લેખિતમાં આમંત્રણ અને માંગણીઓ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરતો પત્ર નહીં આપે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. અમારી પાસે પણ ટેકનિકલ જાણકારો છે, સરકાર લેખિતમાં આપે તો અમે તેનો અભ્યાસ કરીને આગળની ચર્ચા ટેબલ પર કરી શકીએ. આ આંદોલન હવે માત્ર જેતપર પૂરતું મર્યાદિત નથી રહ્યું પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો આમાં જોડાઈ રહ્યા છે. જ્યાં સુધી ઉર્જા વિભાગ અને મુખ્યમંત્રી તરફથી ખેડૂતોની માંગણીઓ મુદ્દે લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી ભલે ખેડૂતના શરીરમાંથી જીવ નીકળી જાય, પણ ન્યાય ન મળે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ ચાલુ જ રહેશે.
ખેડૂતોએ સરકાર સમક્ષ મૂકેલી મુખ્ય ૬ માંગણીઓ નીચે મુજબ છે:
૧. કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગની ૧૪ જૂન ૨૦૨૪ ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે એમઆરસી કમીટી દ્વારા નક્કી થતી બજાર કિંમતના ૨૦૦ ટકા વળતરનો ઉલ્લેખ છે. પરંતુ રાજસ્થાન સરકારે હાઈ વોલ્ટેજ લાઈન હોવાથી ઈલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના ૨૦૦ ટકા એટલે કે કુલ ૪૦૦ ટકા વળતર આપ્યું છે. તો ગુજરાતના ખેડૂતોને પણ જંત્રીના નહીં, પરંતુ બજાર કિંમતના ૪૦૦ ટકા વળતર આપવામાં આવે.
૨. આરઓડબલ્યુ (Right of Way) માટે ૨૧ માર્ચ ૨૦૨૫ ની ગાઈડલાઇનમાં એમઆરસી કમીટી દ્વારા બજાર કિંમત નક્કી થાય તેના ૩૦ ટકા, ૪૫ ટકા અને ૬૦ ટકા આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઈનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલાના ક્ષેત્રફળમાં અને તારના ક્ષેત્રફળમાં એટલે કે બન્નેમાં હોય છે. માટે આરઓડબલ્યુ વિસ્તારમાં ખેડૂતોને ૨૦૦ ટકા વધારે એટલે કે કુલ ૨૩૦ ટકા, ૨૪૫ ટકા અને ૨编制૦ ટકા વળતર આપવામાં આવે.
૩. જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે ડીએલવીસી કમીટી નહીં પરંતુ ૨૧ માર્ચ ૨૦૨૫ ની ગાઈડલાઈન પ્રમાણે એમઆરસી કમીટીની રચના કરવાની રહેશે.
૪. કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગની ૧૪ જૂન ૨૦૨૪ ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર ૯ પ્રમાણે સંપૂર્ણ વળતર (ટાવર વિસ્તારનું, આરઓડબલ્યુ વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક જ હપ્તામાં અને એ પણ એડવાન્સમાં ચૂકવવામાં આવે.
૫. ટીએસપી કંપની ટેલીગ્રાફ એકટ ૧૮૮૫ ની કલમ ૧૦(ડી) મુજબ સંપૂર્ણ નુકસાનીના વળતરનો હુકમ ટેલીગ્રાફ ઓથોરીટી કંપની ખેડૂતોને આપે અને આ હુકમ કલેકટર કચેરીમાં જમા કરાવે, ત્યાર પછી જ કલેકટર કલમ ૧૬(૧) હેઠળની પ્રોસીડીંગ શરૂ કરે.
૬. ઉપર દર્શાવેલા પોઈન્ટ નંબર ૧ થી ૪ માં કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગની ગાઇડલાઇન ૧૪ જૂન ૨૦૨૪ અને ૨૧ માર્ચ ૨૦૨૫ માં જરૂરી સુધારો કરીને, બાકીનું બધું કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ રાખીને ગુજરાત ઉર્જા વિભાગ દ્વારા ખેડૂત હિતેચ્છુ નવો પરિપત્ર બનાવવામાં આવે તેવી માંગ છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
