તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
કર્ણાટકમાં પાક નુકસાન અને દુષ્કાળ સામે ખેડૂતોને માત્ર રૂ. ૨,૫૦૦ નહિ, પરંતુ પ્રતિ એકર રૂ. ૨૫,૦૦૦નું વળતર મળવું જોઈએ: જેડીએસ નેતા નિખિલ કુમારસ્વામીની માંગ!
રાજ્યમાં વધી રહેલી ખેડૂત આત્મહત્યાઓ અને માઇક્રો-ફાઇનાન્સ કંપનીઓની હેરાનગતિ સામે સરકાર લાલઘૂમ: ગેરંટી યોજનાઓ પાછળ નાણાં ખર્ચાતા સિંચાઈ યોજનાઓ અટકી પડ્યાનો આક્ષેપ

શિવમોગ્ગા : કર્ણાટકમાં દુષ્કાળ, ભારે દેવા અને પાકને થયેલા વ્યાપક નુકસાનના કારણે સતત વધી રહેલી ખેડૂત આત્મહત્યાઓની ઘટનાઓ વચ્ચે જનતા દળ (સેક્યુલર) ના યુવા પાંખના પ્રમુખ નિખિલ કુમારસ્વામીએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. શિવમોગ્ગા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સરકાર પાસે માંગ કરી છે કે દુષ્કાળ પીડિત ખેડૂતોને આપવામાં આવતી વર્તમાન રૂ. ૨,૫૦૦ ની આર્થિક સહાય અત્યંત અપૂરતી છે, જેને વધારીને સરકારે ફરજિયાતપણે પ્રતિ એકર રૂ. ૨૫,૦૦૦ નું વળતર આપવું જોઈએ.
નિખિલ કુમારસ્વામીએ ચિક્કમગલુરુ જિલ્લાના કદુર ખાતે દેવા અને માઇક્રો-ફાઇનાન્સ કંપનીઓની જોહુકમી તથા હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરનાર બે ખેડૂતોના દુઃખદ કિસ્સાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિ અને પાક નિષ્ફળ જવાના કપરા સમયમાં સરકારે ખેડૂતોની પડખે ઊભા રહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે પશુધનને બચાવવા માટે તાત્કાલિક ધોરણે 'ફોડર બેંક' (ઘાસચારાના ભંડાર) ની સ્થાપના કરવાની પણ માંગ કરી હતી, જેથી મૂંગા પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે.
કેન્દ્ર સરકાર પાસેથી મળતી સહાય અંગે બોલતાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુપીએ સરકારના સમયની સરખામણીમાં હવે 'રાષ્ટ્રીય આપત્તિ ભંડોળ' હેઠળ કર્ણાટકને મળતું ભંડોળ ૪.૮૪ ટકાથી વધીને ૧૬ ટકા થઈ ગયું છે. તેથી આ મુદ્દે કેન્દ્ર સરકારને દોષ આપવો વ્યાજબી નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે એચ.ડી. કુમારસ્વામી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કેન્દ્રની રાહ જોયા વગર ખેડૂતોના દેવાં માફ કર્યા હતા. વર્તમાન સરકાર પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે સરકાર પોતાની ચૂંટણી 'ગેરંટી' પાછળ પુષ્કળ નાણાં ખર્ચી રહી છે, જેના કારણે રાજ્યની મહત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓ અને વિકાસ કાર્યો અધ્ધરતાલ લટકી ગયા છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
