તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત : લગ્ન પ્રસંગથી પરત ફરતી કારને ટ્રકે મારી ટક્કર:4 મહિલાઓ સહિત 5 ના મોત
અદ્યલ ગામ પાસે હાઈવે પર નડ્યો અકસ્માત: મૃતકોમાં 4 મહિલાઓ સહિત દંપતી અને મા-દીકરી સામેલ: 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: હોસ્પિટલ ખસેડાયા

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ મૃતકો એક લગ્ન સમારોહ માણીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળે રસ્તામાં જ તેમનો રસ્તો રોક્યો હતો
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ભંડારા જિલ્લાના પૌની તાલુકાના અદ્યલ ગામ પાસે રાજ્ય ધોરીમાર્ગ પર બની હતી. કારમાં સવાર મુસાફરો કોંઢા ગામમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે નવ વાગ્યાની આસપાસ સામેથી આવી રહેલા એક બેફામ ટ્રકે કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. દુઃખદ બાબત એ છે કે મૃતકોમાં એક દંપતી અને એક મા-દીકરીની જોડીનો પણ સમાવેશ થાય છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાર લોકોની સારવાર હાલ ચાલી રહી છે.
અકસ્માત સર્જીને નાસી જવાનો પ્રયાસ કરનાર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલ આરોપી ચાલકનું નામ દુર્ગેશ યાદવ (ઉંમર 40) છે, જે છત્તીસગઢનો રહેવાસી છે. ભંડારા પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
