તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત: રોડવેઝ બસને ધક્કો મારી રહેલા મુસાફરો પર કન્ટેનર ફરી વળતા ૫ લોકોના કરૂણ મોત
મધ્યરાત્રિના સમયે સર્જાયેલા આ ભયાનક અકસ્માતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું: બસ બગડી જતાં રસ્તા પર ઉતરેલા પ્રવાસીઓ બન્યા કાળનો કોળિયો, અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર

એટા (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના બાગવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બંધ પડેલી રોડવેઝ બસને રસ્તા પર ધક્કો મારી રહેલા મુસાફરો પર પાછળથી પૂરઝડપે આવી રહેલા એક કન્ટેનરે પ્રચંડ ટક્કર મારતા સ્થળ પર જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ૫ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એટા ડેપોની રોડવેઝ બસ રાત્રિના લગભગ ૧૧ વાગ્યાના સુમારે કીલરમઉ ગામ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે રસ્તામાં અચાનક બંધ થઈ ગઈ હતી. બસના ચાલકે વાહનને રસ્તાની એક બાજુ ઉભું રાખ્યું હતું. બસ ચાલુ ન થતા મુસાફરોની મદદ લેવામાં આવી હતી. લગભગ ૧૦ જેટલા મુસાફરો બસને પાછળથી ધક્કો મારી રહ્યા હતા, જ્યારે કેટલાક પ્રવાસીઓ બસની આગળના ભાગમાં ઉભા હતા. આ દરમિયાન, પાછળથી બેફામ ગતિએ આવી રહેલા એક કન્ટેનરના ચાલકે કાબૂ ગુમાવતા બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ અને કન્ટેનર વચ્ચે ધક્કો મારી રહેલા મુસાફરો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનો અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ૫ લોકોને મૃત જાહેર કર્યા હતા.
મૃતકોમાં ફરરૂખાબાદ જિલ્લાના રાજેશ (૩૪), સુખરામ અને શૈલેષ કુમાર તેમજ બુલંદશહરના સત્યેન્દ્રનો સમાવેશ થાય છે. પાંચમા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. આ સિવાય રવિ, વિક્રાંત, આનંદ સિંહ અને દક્ષ સહિત અન્ય ઈજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જીને કન્ટેનર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ તેજ કરી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
