તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ટ્રાફિક ચલણ ભરવામાં 'દોષિત' સાબિત થવાનો ભય!: વી-કોર્ટ્સ પોર્ટલમાં સુધારા માટે સુપ્રીમ કોર્ટની ઇ-કમિટી કરશે વિચારણા; સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
માત્ર દંડ ભરવો અને ગુનો સ્વીકારવો (દોષિત ઠરવું) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા માંગ; પોર્ટલના ગૂંચવણભર્યા ઈન્ટરફેસ અને ડાર્ક પેટર્ન સામે નાગરિકોના મૂળભૂત અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો

નવી દિલ્હી : ટ્રાફિક ચલણ ઓનલાઈન ભરતી વખતે નાગરિકો અજાણતા જ પોતાને 'દોષિત' તરીકે સ્વીકારી લે છે તેવી ગંભીર બાબત સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી હવે વી-કોર્ટ્સ (Virtual Courts) પોર્ટલમાં જરૂરી ફેરફારો કરવાની અરજી પર વિચાર કરશે, જેથી ટ્રાફિક ગુનાઓને કમ્પાઉન્ડ (દંડ ભરીને પતાવટ) કરતી વખતે નાગરિકોને દોષિત ઠેરવવામાં ન આવે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે અરજદાર પ્રભજોત સિંહ ધિલ્લોન તરફથી પેશ થયેલા વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે વી-કોર્ટ્સ પોર્ટલની પારદર્શક અને સુચારુ કામગીરી માટે આ મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ છે.
પોર્ટલની 'ડાર્ક પેટર્ન' અને નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વી-કોર્ટ્સ પોર્ટલમાં 'ડાર્ક પેટર્ન' અને ગૂંચવણભર્યું ઈન્ટરફેસ છે, જે માત્ર દંડની ચુકવણી કરવાને 'વાંક સ્વીકારવા' (ગિલ્ટી પ્લી) સાથે જોડી દે છે. આના કારણે જે વાહનચાલકો માત્ર ચલણ ભરીને મામલો પતાવવા માંગે છે, તેઓ જાણતા અજાણતા રેકોર્ડ પર દોષિત ઠરી જાય છે. અરજદારે દલીલ કરી હતી કે આ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, કારણ કે તેમને પૂરતી કાનૂની સમજ કે સંમતિ વિના દોષિત ગણવામાં આવે છે.
આ ઉપરાંત, અરજીમાં દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ઓનલાઈન દંડ ભરીને કેસ પતાવવાનો સ્પષ્ટ વિકલ્પ આપવાની ભલામણ કરાઈ હતી જેથી લોક અદાલતની રાહ ન જોવી પડે. સાથે જ, દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ મુજબ ૧૫ દિવસની અંદર જ વાહન માલિકોને ચલણની જાણ થાય તેવી મજબૂત સિસ્ટમ બનાવવાની અને પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક ફરિયાદોના નિવારણ માટે અધિકારીઓની હાજરી સુનિશ્ચિત કરવાની પણ માંગ કરવામાં આવી છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
