<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગોરખપુરમાં કૂતરાના કરડવાથી ગૌવંશના મોત બાદ ફેલાયો રેબીઝનો ભય: દુર્ગા પૂજામાં વહેંચાયેલું ૪૫૦ લોકોએ દૂધ-પ્રસાદ આરોગતા સ્વાસ્થ્ય વિભાગમાં મચી દોડધામ

દાદી ખાસ ગામમાં બનેલી આ ઘટના બાદ તંત્ર દ્વારા વિશેષ હેલ્થ કેમ્પ લગાવીને અત્યાર સુધીમાં ૪૫૦ થી વધુ લોકોને એન્ટી-રેબીઝ રસી આપવામાં આવી; નિષ્ણાતોએ દૂધ દ્વારા રેબીઝ ફેલાવાની શક્યતા નહિવત ગણાવી પરંતુ સતર્ક રહેવા આપી તાકીદ.

ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હડકંપ મચાવનારી ઘટના સામે આવી છે. ગોરખપુરના ગોલા બ્લોક અંતર્ગત આવતા દાદી ખાસ ગામમાં દૂર્ગા પૂજા નિમિત્તે દૂધમાંથી બનાવેલો પ્રસાદ આશરે ૪૫૦ થી વધુ ગ્રામવાસીઓએ આરોગ્યો હતો, પરંતુ થોડા દિવસો બાદ જે ગાયના દૂધમાંથી આ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો તેનું શંકાસ્પદ સંજોગોમાં રેબીઝ જેવી બીમારીથી મોત થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને જોઈને આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને અત્યાર સુધીમાં સેંકડો લોકોને રસી આપવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પશુપાલક નવમી યાદવની આ ગાય છેલ્લા એક-બે દિવસથી અસ્વસ્થ જણાઈ રહી હતી અને મંગળવારે તેનું અચાનક મોત થયું હતું. પશુપાલકે સ્થાનિક પશુચિકિત્સકો બેચન સિંહ, હરદેવ યાદવ અને અન્ય ડૉક્ટરોની સલાહ લીધા બાદ શંકા વ્યક્ત કરી હતી કે આ ગાયને થોડા દિવસો પહેલા કોઈ રખડતા કૂતરાએ ડંખ માર્યો હતો, જેના કારણે તેને રેબીઝ (હડકવા) ની બીમારી લાગુ થઈ હતી. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ સંક્રમિત ગાયનું દૂધ માત્ર ઘરે જ નહીં પરંતુ સ્થાનિક બે દુકાનો અને આસપાસના અનેક પરિવારજનોને પણ સપ્લાય કરવામાં આવ્યું હતું, જેના કારણે દૂર્ગા પૂજા દરમિયાન વહેંચાયેલો દૂધ આધારિત પ્રસાદ ખાનાર ૪૫૦ થી વધુ લોકો પર રેબીઝનો સંભવિત જોખમ તોળાઈ રહ્યો છે.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. મંગળવારે કમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે અંદાજે ૫૦ જેટલા લોકોને એન્ટી-રેબીઝ વેક્સિન (ARV) આપવામાં આવી હતી, જ્યારે બુધવારે ગામમાં જ એક વિશેષ સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરીને વધુ ૪૦૦ જેટલા લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સીએચસીના પ્રભારી અમરેન્દ્ર ઠાકુરે તમામ ગ્રામવાસીઓને તબીબી મૂલ્યાંકન કરાવીને ડૉક્ટર દ્વારા સૂચવાયેલા રસીકરણના શેડ્યૂલનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

 

આ મામલે પશુચિકિત્સક ડૉ. સિદ્દીકીએ જણાવ્યું હતું કે ગાયના લક્ષણો રેબીઝ તરફ ઈશારો કરે છે, પરંતુ તેની ચોક્કસ પુષ્ટિ માટે યોગ્ય પશુચિકિત્સા મૂલ્યાંકન અને લેબ ટેસ્ટ જરૂરી છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે માત્ર દૂધ પીવાથી રેબીઝ ફેલાતો નથી, પરંતુ જો પ્રસાદ ખાનાર કોઈ વ્યક્તિના મોં કે પાચનતંત્રમાં કોઈ ઘા હોય અને સંક્રમિત લાળના સંપર્કમાં આવ્યાની આશંકા હોય તો સાવચેતીના ભાગરૂપે તુરંત તબીબી સલાહ લેવી હિતાવહ છે. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.

(6:31 PM IST)