તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
દક્ષિણ ભારતમાં શિક્ષણ કલ્યાણ યોજનામાં કૌભાંડની ભીતિ: કર્ણાટકની સરકારી શાળાઓમાં મફત અપાયેલા બૂટ-મોજાં ગણતરીના દિવસોમાં ફાટી જતાં ભારે બબાલ
વિદ્યાવિકાસ યોજના હેઠળ ધોરણ ૧ થી ૧૦ના વિદ્યાર્થીઓને અપાયેલી ફુટવેરની નબળી ગુણવત્તા સામે વાલીઓ અને વિપક્ષોનો આક્રોશ: લોકાયુક્ત અને શિક્ષણ વિભાગે હાથ ધરી તપાસ, ૧૫ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સામે સુઓ મોટો કેસ દાખલ

બેંગલુરુ: કર્ણાટક સરકાર દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી યોજના હેઠળ વિતરિત કરવામાં આવેલા બૂટ અને મોજાંની હલકી ગુણવત્તાને લઈને ભારે વિવાદ સર્જાયો છે. સરકારી શાળાઓના બાળકોને મફતમાં આપવામાં આવેલા બૂટ પહેર્યાના ગણતરીના કલાકો કે દિવસોમાં જ સિલાઈ ખુલી જવાની અને સોલ (તળિયા) ઉખડી જવાની ફરિયાદો વ્યાપક બનતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને રાજ્યના ઉપ-લોકાયુક્ત અને શિક્ષણ વિભાગે આકરા વલણ સાથે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે.
'વિદ્યાવિકાસ યોજના' હેઠળ ધોરણ ૧ થી ૧૦માં ભણતા લાખો માસૂમ બાળકોને ફ્રી બૂટ અને મોજાં વિતરિત કરવામાં આવ્યા હતા. પરંતુ તુમકુરુ, રાયચુર અને બલ્લારી સહિતના અનેક જિલ્લાઓમાં વિતરણ થયાના ટૂંક સમયમાં જ બૂટ ફાટી ગયા હોવાની ફરિયાદો સામે આવી હતી. કેટલાક કિસ્સામાં તો બાળકોએ પગમાં બૂટ પહેર્યાની થોડી જ મિનિટોમાં તેના સોલ અલગ થઈ ગયા હતા. આ સિવાય માપ વગરના બૂટ અને નબળા સોક્સ પૂરા પાડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ મુદ્દે વિરોધ પક્ષો દ્વારા સરકાર પર પ્રહારો કરતા સપ્લાયર્સ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઘટનાની નોંધ લઈને ઉપ-લોકાયુક્ત જસ્ટિસ કે.એન. ફણીન્દ્રે સ્વતઃ સંજ્ઞાન (સુઓ મોટો) લઈને ૧૫ જિલ્લાના શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર્સ અને બ્લોક એજ્યુકેશન ઓફિસર્સ (BEO) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. લોકાયુક્તે સ્પષ્ટ કર્યું છે કે બાળકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી એ બંધારણની કલમ ૨૧-એ હેઠળ શિક્ષણના મૂળભૂત અધિકાર સાથે જોડાયેલી બાબત છે. તેમણે સંબંધિત જિલ્લાના લોકાયુક્ત એસપીને ખરીદીના તમામ દસ્તાવેજો ચકાસીને બે અઠવાડિયામાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.
બીજી તરફ, કર્ણાટકના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે પણ તાકીદના ધોરણે એક સ્વતંત્ર તકનીકી સમિતિની રચના કરી છે. આ સમિતિ સપ્લાયર કંપનીના જીએસટી બિલ, ટેન્ડરના નિયમો, લેબોરેટરી સર્ટિફિકેશન અને સપ્લાય કરાયેલા માલની ગુણવત્તાની સ્થળ પર જઈને ચકાસણી કરશે. જો ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન માલૂમ પડશે તો સપ્લાયર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય પગલાં ભરવાની નિર્દેશ આપાવામાં આવ્યા છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
