તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
જાસૂસીના ડરથી અમેરિકી ડેલિગેશને ચીનની તમામ ભેટ-સોગાદો કચરાપેટીમાં ફેંકી દીધી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત

ન્યૂયોર્ક,તા.૧૮: તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોમાં અવિશ્વાસની મોટી ખાઈ જોવા મળી છે. બહારથી ભલે નેતાઓ હસતા જોવા મળ્યા હોય, પરંતુ પડદા પાછળનો માહોલ અત્યંત તંગ હતો. અમેરિકા અને ચીન વચ્ચેનો ડેટા ચોરી અને જાસૂસીનો ડર એટલી હદે વધી ગયો છે કે, અમેરિકી ડેલિગેશને ચીન તરફથી મળેલી તમામ ભેટો કચરાપેટીમાં પધરાવી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અને વીડિયો મુજબ, બેઇજિગ એરપોર્ટ પર ટ્રમ્પના વિશેષ વિમાન 'એરફોર્સ વન' પાસે જ એક મોટી કચરાપેટી રાખવામાં આવી હતી. અમેરિકી સ્ટાફ, પત્રકારો અને સિક્યુરિટી ટીમે ચીન દ્વારા આપવામાં આવેલી તમામ વસ્તુઓ - જેમ કે પ્રેસ કાર્ડ, ડેલિગેશન પિન, ભેટો અને 'બર્નર ફોન્સ' (ફક્ત આ ટ્રીપ માટે જ વપરાયેલા કામચલાઉ ફોન) - એક પછી એક તે કચરાપેટીમાં ફેંકી દીધા હતા.
અમેરિકાને સીધો જ ડર હતો કે આ ભેટ-સોગાદો અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓમાં ટ્રેકિગ ડિવાઇસ, સ્પાયવેર કે કોઈ ઈલેક્ટ્રોનિક નિગરાની સિસ્ટમ હોઈ શકે છે. આથી, સખત આદેશ હતો કે ચીનથી આવેલી કોઈ પણ વસ્તુ વિમાનમાં સાથે લઈ જવામાં આવશે નહીં, એક પિન પણ નહીં!
એક તરફ ટ્રમ્પ અને શી જિનપિગ કેમેરા સામે મુસ્કુરાઈ રહ્યા હતા, તો બીજી તરફ બંને દેશોના સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, મીટિગ દરમિયાન ચીની પત્રકારો અને સુરક્ષાકર્મીઓએ વ્હાઇટ હાઉસના સ્ટાફને ધક્કો મારીને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત, ચીનના ઐતિહાસિક 'ટેમ્પલ ઓફ હેવન' ખાતે પણ મોટો વિવાદ થયો હતો. અમેરિકી સિક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપતિની સુરક્ષા માટે હથિયાર સાથે અંદર જવા માંગતા હતા, પરંતુ ચીની અધિકારીઓએ તેમને રોક્યા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું.
આ સમગ્ર ઘટના દર્શાવે છે કે દુનિયાની આ બે મહાસત્તાઓ વચ્ચે 'ટ્રેડ વોર', તાઈવાન અને ટેક્રોલોજીના મુદ્દે ભલે ગમે તેટલી વાટાઘાટો થાય, પરંતુ અસલી ભરોસો સાવ શૂન્ય છે. આજના સમયમાં સૌથી મોટું હથિયાર માત્ર મિસાઈલ નથી, પરંતુ 'ડેટા' પણ છે.
અમેરિકન અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, અમેરિકી ડેલિગેશને સુરક્ષાના કારણોસર પોતાના પર્સનલ ફોન અમેરિકામાં જ રાખી દીધા હતા અને 'ક્લીન બર્નર ફોન્સ'નો જ ઉપયોગ કર્યો હતો. બેઇજિગથી પરત ફરતી વખતે ચીની યજમાનો તરફથી મળેલી તમામ વસ્તુઓ (Gifts, Badges, Pins) એરફોર્સ વનમાં બેસતા પહેલાં જ કચરાપેટીમાં ફેંકી દેવાનો આદેશ અપાયો હતો. આ ઉપરાંત, ટેમ્પલ ઓફ હેવન ખાતે અને મીટિગ દરમિયાન સુરક્ષાકર્મીઓ વચ્ચે થયેલા ઘર્ષણના અહેવાલો પણ તદ્દન સાચા અને પ્રમાણિત છે
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
