તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
પાકિસ્તાનની નાપાક હરકતોથી કંટાળી ભારતે શોધ્યો નવો રસ્તો: હવે ચીનના શિનજિયાંગના આકાશમાંથી ઉડશે ભારતીય વિમાનો, પાકિસ્તાની એરસ્પેસ પરની નિર્ભરતા થશે ખાતમ
૨૦૨૫ના પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને બંધ કર્યા હતા હવાઈ માર્ગો; ભારતે ચીન અને ભૂટાન સાથે મંત્રણા તેજ કરી, યુરોપ-અમેરિકાની ફ્લાઈટ્સનો સમય અને ખર્ચ ઘટશે

નવી દિલ્હી, તા.29: પાકિસ્તાન દ્વારા વારંવાર ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ કરવાની રમાતી ગંદી રાજનીતિનો ભારતે હવે કાયમી ઉકેલ શોધી કાઢ્યો છે. પ્રાદેશિક પ્રતિબંધો અને લાંબા રસ્તાઓને કારણે વિમાનોના વધતા ખર્ચ તેમજ સમયનો વ્યય અટકાવવા માટે ભારત સરકારે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ભારતીય એરલાઇન્સ માટે ચીનના શિનજિયાંગ (Xinjiang) પ્રદેશના હવાઈ ક્ષેત્ર અને ભૂટાન થઈને જતા નવા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અંગે ભારત અને ચીન વચ્ચે ઉચ્ચ સ્તરીય વાતચીત ચાલી રહી છે.
પાકિસ્તાની બેનથી એરલાઈન્સ પર કરોડોનું ભારણ
વર્ષ ૨૦૨૫માં પહેલગામ ખાતે થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા અને ત્યારબાદના સૈન્ય તણાવ પછી પાકિસ્તાને એપ્રિલ ૨૦૨૫થી ભારતીય વિમાનો માટે પોતાના રસ્તાઓ બંધ કરી દીધા છે. પાકિસ્તાનનું એરસ્પેસ બંધ હોવાના કારણે યુરોપ, મધ્ય પૂર્વ અને અમેરિકા જતી ભારતીય ફ્લાઇટ્સને અરબી સમુદ્ર પરથી લાંબો ચક્કર લગાવીને જવું પડે છે. આનાથી એરલાઇન્સને કરોડો રૂપિયાનું મોંઘું ઇંધણ બાળવું પડે છે અને મુસાફરોનો મુસાફરીનો સમય પણ નોંધપાત્ર રીતે વધી ગયો છે. આ પડકારો સામે ભારતે હવે ચીન સાથે શિનજિયાંગ કોરિડોર શરૂ કરવા એક વર્ષથી ચાલી રહેલી વાટાઘાટોને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે.
ભારત-ચીન સંબંધોમાં સુધારો અને એર કનેક્ટિવિટીનો પુનઃપ્રારંભ
આ રાજદ્વારી હિલચાલ ભારત અને ચીન વચ્ચે ફરીથી પાટે ચડી રહેલા દ્વિપક્ષીય સંબંધો તરફ ઈશારો કરે છે. નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત મુલાકાત પહેલા જ બંને દેશો વચ્ચે હવાઈ સેવાઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ચાઇના સધર્ન એરલાઇન્સે ૬ વર્ષના લાંબા અંતરાલ બાદ ૨૧ સપ્ટેમ્બરથી ગુઆંગઝૂ અને નવી દિલ્હી વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરી છે.
આ સિવાય વર્ષ ૨૦૨૬માં જ એર ઇન્ડિયાએ નવી દિલ્હી અને ચીન વચ્ચે, એર ચાઇનાએ બેઇજિંગ-દિલ્હી વચ્ચે અને ઇન્ડિગોએ કોલકાતા-શાંઘાઈ વચ્ચે પોતાની દૈનિક ફ્લાઇટ્સ પુનઃસ્થાપિત કરી દીધી છે. જો શિનજિયાંગ હવાઈ માર્ગની મંજૂરી મળી જશે, તો પાકિસ્તાનને આર્થિક અને રાજદ્વારી રીતે મોટો ઝાટકો પડશે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
