તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 29th September 2026
"તમારા બાળકોને પણ ગુટખા ખવડાવો..." વિમલ ઈલાયચીની જાહેરાત કરતા અજય, શાહરૂખ અને ટાઈગર શ્રોફ પર કડક FDA કમિશનર તુકારામ મુંધેનો સણસણતો પ્રહાર!
મહારાષ્ટ્ર FDA એ બોલિવૂડ સુપરસ્ટાર્સને ફટકારી નોટિસ; આઈએએસ અધિકારીએ સુપરસ્ટાર્સના બેવડા ચહેરાને ખુલ્લો પાડતા કહ્યું- જે વસ્તુની જાહેરાત કરો છો તે પહેલાં તમારા પરિવારને ખવડાવો!

મુંબઈ, તા.29: બોલિવૂડના દૂષણ સમાન ગુટખા અને પાન મસાલા બ્રાન્ડની જાહેરાતો સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી (FDA) ના વડા અને સ્પષ્ટવક્તા આઈએએસ અધિકારી તુકારામ મુંધેએ આકરું વલણ અપનાવ્યું છે. શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ જેવા દિગ્ગજ કલાકારોને વિમલ ઈલાયચીની પરોક્ષ (Surrogate) જાહેરાતો કરવા બદલ કારણ બતાવો નોટિસ ફટકાર્યા બાદ, હવે તુકારામ મુંધેએ એક જાહેર કાર્યક્રમમાં આ કલાકારોના બેવડા ધોરણો અને બે ચહેરા ધરાવવાની માનસિકતા પર જોરદાર પ્રહારો કર્યા છે.
"બેવડા ચહેરાવાળા લોકો સામે મને સખત વાંધો છે"
એક નેશનલ ન્યૂઝ ચેનલ (NDTV) ના કાર્યક્રમમાં ઉપસ્થિત તુકારામ મુંધેએ બોલિવૂડ કલાકારોના બેવડા ધોરણો પર ચાબખા મારતા કહ્યું કે, "મને ચાપલૂસી, ખુશામત કે બેવડી માનસિકતા જરાય પસંદ નથી. જો તમે તમારા શબ્દો અને વર્તન પ્રત્યે પ્રમાણિક નથી, તો તેનો અર્થ એ કે તમે વાસ્તવિક વ્યક્તિ નથી પણ કોઈનો મહોરો છો. તમે સમાજ સામે એક ચહેરો બતાવો છો અને પડદા પાછળ બીજો ચહેરો રાખો છો, જે ક્યારેય ચલાવી લેવાય નહીં."
"જો કેસર હોય તો પહેલાં તમારા બાળકોને ખવડાવો!"
તુકારામ મુંધેએ કલાકારોને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમે જે પ્રોડક્ટની જાહેરાત કરી રહ્યા છો તે ખરેખર એટલી સારી જ છે, તો તેની શરૂઆત તમારા પોતાના ઘરથી કરો. તેમણે આકરા શબ્દોમાં ઉમેર્યું, "જો તમે પાન-ગુટખા અને ઈલાયચીની જાહેરાત કરી રહ્યા છો, તો પહેલાં તે પોતે ખાઓ અને તમારા બાળકોને પણ તે ખાવાની આદત પાડો! તમે જાહેરાતમાં દાવો કરો છો કે તેમાં 'કેસર' છે, તો પછી તમારા પરિવારને તે ખવડાવો. તમે સમાજને જે ખાવાની સલાહ આપો છો તે પહેલાં પોતાના બાળકોને ખવડાવો, પછી બીજાને કહો. પૈસા માટે આવી જાહેરાતો કરવી એ માત્ર અનૈતિક નથી પણ ગેરકાયદેસર પણ છે."
"પૈસા કમાવવાના નામે જવાબદારીમાંથી છટકી શકાય નહીં"
અભિનેતાઓ દ્વારા અવારનવાર બચાવ કરવામાં આવે છે કે તેઓ માત્ર એક પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે અને જવાબદારી કંપનીની છે. આ દલીલને ફગાવતા કમિશનરે જણાવ્યું કે, "તમે સમાજના પ્રભાવશાળી ચેહરા છો અને સામાન્ય નાગરિકો કરતાં તમારી જવાબદારી વિશેષ બને છે. 'હું તો માત્ર જાહેરાત કરું છું અને પૈસા કમાઉ છું' તેવું કહીને તમે છટકી શકો નહીં. આવતીકાલે કોઈ બીજું ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાય તો શું તેને પણ યોગ્ય ગણવામાં આવશે?"
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્ર FDA એ વિમલ ઈલાયચીની જાહેરાતમાં દેખાતા આ ત્રણેય સુપરસ્ટાર્સને નોટિસ જારી કરી હતી. મુંધેએ સ્પષ્ટ કર્યું છે કે ટીવી, અખબાર કે સોશિયલ મીડિયા પર દર્શાવાતી આવી તમામ ભ્રામક જાહેરાતો પર તંત્રની કડક નજર છે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ગમે તેટલો મોટો સુપરસ્ટાર હશે તો પણ તેની સામે કાનૂની સિકંજો કસાશે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
