<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

પાકિસ્તાનના રાવલપિંડીમાં મહિલા ટીવી એન્કર રાબિયા અહસાનની ઘરમાં ગોળી મારી હત્યા:પતિની અટકાયત

પોલીસે પતિને કસ્ટડીમાં લઈને શંકાસ્પદ હથિયાર જપ્ત કર્યું: ફોરેન્સિક તપાસ ચાલુ : ફર્સ્ટ લેડી આસિફા ભુટ્ટો-જરદારીએ નિષ્પક્ષ તપાસની માંગ કરી

પાકિસ્તાનના રાવલપિંડીમાં મહિલા ટીવી એન્કરની ઘરમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ રાબિયા અહસાન તરીકે થઈ છે. તેઓ એક સ્થાનિક ખાનગી ટીવી ચેનલમાં એન્કર અને પ્રોગ્રામ હોસ્ટ તરીકે ફરજ બજાવતાં હતાં. રવિવારે શહેરના ગુલશનબાદ વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને આ ઘટના બની હતી. પોલીસે આ મામલે તેમના પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી હોવાની આશંકાવાળું હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે.

પાકિસ્તાની અખબાર 'ડોન'ના અહેવાલ અનુસાર, રાવલપિંડીના સિટી પોલીસ ઓફિસર (CPO) હસન મુશ્તાક સુખેરાએ જણાવ્યું હતું કે, પોલીસે રાબિયા અહસાનના પતિને કસ્ટડીમાં લીધો છે. આ ઉપરાંત શંકાસ્પદ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CPOએ SSP ઓપરેશન્સ અને SSP ઇન્વેસ્ટિગેશન્સ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

પોલીસ અધિકારીઓની હાજરીમાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. પંજાબ ફોરેન્સિક સાયન્સ એજન્સી (PFSA)ની ટીમો ઘટનાસ્થળેથી મહત્વના પુરાવા એકત્રિત કરી રહી છે. બીજી તરફ, રાબિયા અહસાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવી શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘરમાં કામ કરતા એક પુરુષ કર્મચારીએ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, રાબિયાના પતિએ ગોળી ભૂલથી છૂટી હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ દાવાની સત્યતા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. હાલમાં પોલીસ દ્વારા કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ગોળી કયા સંજોગોમાં ચાલી હતી તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. તપાસમાં મળતા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનની ફર્સ્ટ લેડી આસિફા ભુટ્ટો-જરદારીએ રાબિયા અહસાનના મોત પર દુઃખ વ્યક્ત કરીને ઘટનાની સખત નિંદા કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ, પારદર્શક અને સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી છે. આ સાથે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.

આસિફાએ રાવલપિંડીમાં અગાઉ બનેલી અન્ય એક મહિલા હત્યાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે 45 વર્ષીય ડિજિટલ મીડિયા એક્ઝિક્યુટિવ હિના જાવેદની હત્યાને યાદ કરી હતી. હિના જાવેદ ઓગસ્ટ મહિનામાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં અને તેમના શરીર પર યાતનાનાં નિશાન હોવાની માહિતી સામે આવી હતી.

આસિફાએ આ કેસની તપાસનાં પરિણામો હજી સુધી સામે ન આવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. રાવલપિંડીમાં એક પછી એક મહિલાઓ સાથે બનેલી આવી ઘટનાઓએ મહિલાઓની સુરક્ષા અને ન્યાય વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

(1:47 PM IST)