<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ફર્ટિલાઈઝર સબસિડીમાં ચાલુ વર્ષે રૂ.૭૦,૦૦૦ કરોડનો વધારો થશે

યુરિયા અને અન્‍ય ફર્ટિલાઈઝરનો આયાત ખર્ચ વધવાથી સબસિડી બિલ વધશે : ૩૯૦ લાખ ટનની કુલ જરૂરિયાતના ૫૧ ટકા સ્‍ટોક ઉપલબ્‍ધ છે

નવી દિલ્‍હી તા.૧૯: એક સીનિયર અધિકારીએ સોમવારે કહ્યું હતું કે ઈરાન યુદ્ધને કારણે સરકારની ફર્ટિલાઈઝર સબસિડીમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ.૭૦,૦૦૦ કરોડનો વધારો થશે અને કુલ સબસિડી રૂ.૨.૪૧ લાખ કરોડ થશે. યુરિયા અને અન્‍ય ફર્ટિલાઈઝરનો આયાત ખર્ચ વધવાથી સબસિડી બિલ વધશે.

ફર્ટિલાઈઝર વિભાગમાં અધિક સચિવ અપર્ણા શર્માએ ઈરાન યુદ્ધની અસર અંગેની એક બેઠક વખતે કહ્યું હતું કે સબસિડી બિલ વધશે, પરંતુ કેટલા ટકા વધશે તે કહી શકાય નહીં. સબસિડી રૂ.૭૦,૦૦૦ કરોડ જેટલી વધશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘શક્‍ય છે.'

ચાલુ વર્ષે બજેટમાં ફર્ટિલાઈઝર સબસિડી પેટે રૂ.૧.૭૧ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે ખર્ચનું દબાણ વધવા છતાં શર્માએ કહ્યું હતું કે ૨૦૨૬ની ખરીફ સિઝન માટે ફર્ટિલાઈઝરનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે અને ૩૯૦ લાખ ટનની કુલ જરૂરિયાતના ૫૧ ટકા સ્‍ટોક ઉપલબ્‍ધ છે. બાકીનો ગેપ વિવિધ સ્‍તર પર આયાત દ્વારા પૂરો કરવામાં આવી રહ્યો છે. હાલમાં ૨૦૦.૯ લાખ ટન ફર્ટિલાઈઝર સ્‍ટોક છે.

ફર્ટિલાઈઝરનું સ્‍થાનિક ઉત્‍પાદન રોજનું ૮૦,૦૦૦ ટન છે. બે વર્ષ પહેલાં રોજનું ૯૩ લાખ ટન ઉત્‍પાદન નોંધાયું હતું, પરંતુ તાજેતરમાં યુદ્ધને કારણે ઉત્‍પાદન પર અસર થઈ છે અને ૮૬.૨ લાખ ટન ઉત્‍પાદન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે થોડી તંગી છે જે આગામી મહિનાઓમાં કવર થઈ જશે. યુરિયા પ્‍લાન્‍ટ માટે ગેસનો પૂરતો સપ્‍લાય હોવાનું તેમણે કહ્યું હતું.

હોર્મુઝની ખાડી બંધ થઈ ત્‍યારથી ભારત ફર્ટિલાઈઝરની આયાત માટે વિવિધ વિકલ્‍પો પર સક્રિય રીતે કામ કરી રહ્યું છે. યુદ્ધ વચ્‍ચે પણ ૨૨ લાખ ટનથી વધુ ફર્ટિલાઈઝર સમુદ્ર માર્ગે ભારમાં આવી ગયું.

(10:21 AM IST)