<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગનો તાંડવ : ૯ લોકોના કરુણ મોત : પ્રધાનમંત્રી મોદીએ મૃતકોના વારસદારોને ₹૨ લાખની સહાય જાહેર કરી

વહેલી સવારે એસી બ્લાસ્ટને કારણે ચાર માળની ઇમારત ભડભડ સળગી ઉઠી : દોઢ વર્ષના માસૂમ સહિત એક જ પરિવારના ૫ સભ્યોના મોતથી અરેરાટી : ઈજાગ્રસ્તોને ₹૫૦ હજારની મદદની પીએમની જાહેરાત

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લામાં આવેલા વિવેક વિહાર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ચાર માળની રહેણાંક ઈમારતમાં હૃદયદ્રાવક આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં માસૂમ બાળક સહિત કુલ ૯ લોકો જીવતા ભૂંજાયા છે. આ ભયાનક હોનારત પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા નરેન્દ્રભાઈ મોદીએ મૃતકોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે.

વડાપ્રધાન દ્વારા સહાયની જાહેરાત

દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પીએમએનઆરએફ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના વારસદારને ૨ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાનુભૂતિ સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે શાહદરા જિલ્લામાં લાગેલી આગમાં જાનહાનિના સમાચાર અત્યંત દુઃખદાયક છે અને તેઓ ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરે છે.

નિદ્રાધીન લોકો માટે કાળ સાબિત થઈ આગ

વિવેક વિહાર પોલીસ સ્ટેશનને રવિવારે વહેલી સવારે ૩:૪૮ કલાકે આગ લાગવાની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ સવારે ૫ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ઈમારતની આગળ અને પાછળ બંને બાજુ ફ્લેટ હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે અવરોધ પેદા થયો હતો. આગ એટલી વિકરાળ હતી કે સર્ચ ઓપરેશન દરમિયાન બીજા માળના પાછળના ભાગમાંથી જ પાંચ મૃતદેહો મળી આવ્યા હતા.

એસી બ્લાસ્ટથી આગ લાગી હોવાની આશંકા

ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એસી (AC) માં થયેલા પ્રચંડ બ્લાસ્ટને કારણે આગ લાગી હતી. મૃતકોમાં એક રેસ્ટોરન્ટ માલિક, એક જ પરિવારના પાંચ સભ્યો અને માત્ર દોઢ વર્ષના માસૂમ બાળકનો સમાવેશ થાય છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સવારે ૮ વાગ્યા પછી જ્યારે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ત્યારે ઈમારતમાંથી લાશો બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(10:24 PM IST)