<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

દિલ્હીના માયાપુરીમાં ભીષણ આગ: ૨૧ ફાયર બ્રિગેડની ગાડીઓ દોડાવાઈ: રાતભર આગ બુઝાવવાની કામગીરી ચાલુ

નવી દિલ્હી, તા. ૨૪ : દેશની રાજધાની દિલ્હીના માયાપુરી ઔદ્યોગિક વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગની ગંભીરતા જોતાં દિલ્હી ફાયર સર્વિસની કુલ ૨૧ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ બની હતી.

વિભાગીય અગ્નિશમન અધિકારી એ. કે. જયસ્વાલે જણાવ્યું હતું કે ફેક્ટરીમાં બહાર લગાવવામાં આવતા પ્લાસ્ટિકના જાહેરાત બોર્ડ, સાઇનબોર્ડ અને ફ્લેક્સી બોર્ડ બનાવવામાં આવતા હતા. હાલમાં તેમની પ્રાથમિકતા આગ બુઝાવવાની છે. આગનું ચોક્કસ કારણ ત્યારબાદ તપાસવામાં આવશે.

આજે શનિવારે સવારે ઉપલબ્ધ અહેવાલો મુજબ આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી. આગથી કેટલું આર્થિક નુકસાન થયું છે તેની વિગતો જાહેર થઈ નથી. કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાની કે ઇજા પહોંચી હોવાની સત્તાવાર પુષ્ટિ પણ મળી નથી. .

(9:39 AM IST)