તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
મધ્યપ્રદેશના સિઓનીમાં સોનીના ત્રણ માળના મકાનમાં ભીષણ અગ્નિકાંડ: એક જ પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત
દિવાળીની વહેલી સવારે નિંદ્રાધીન પરિવાર પર કાળનો પંજો, બચાવ ટીમે ૪ લોકોને બચાવ્યા પરંતુ ૩ મહિલા અને સગીર સહિત ૬ ના દમ તોડ્યા

સિઓની : મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાંથી દિવાળીના પર્વ પર એક અત્યંત કાળજું કંપાવનારી અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. સોમવારે વહેલી સવારે સિઓની જિલ્લામાં આવેલા એક સોનીના ત્રણ માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં મોટો અગ્નિકાંડ સર્જાયો છે. આ ભયાનક આગની લપેટમાં આવી જવાથી એક જ પરિવારના ૬ સભ્યોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ લોકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કરૂણ ઘટના દિવાળીના બીજા દિવસે વહેલી સવારે ૪ થી ૪:૩૦ વાગ્યાની વચ્ચે છાપારા નગરમાં આવેલા મહાવીર વોર્ડ સ્થિત જૈન મંદિર નજીક સોની કુંદન લાલ સોનીના ઘરે બની હતી. આગ સર્જાઈ તે સમયે મકાનમાં પરિવારના ૧૦ લોકો હાજર હતા અને તમામ ગાઢ નિંદ્રામાં હતા. બનાવ અંગે ઘટનાસ્થળે હાજર રહેલા સબ-ડિવિઝનલ ઓફિસર ઓફ પોલીસ (SDOP) અપૂર્વ ભલાવીએ પીટીઆઈ (PTI) ને ફોન પર વિગત આપતાં જણાવ્યું હતું કે, તેમાંથી ૬ લોકોના મોત થયા છે જ્યારે ૪ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
દુર્ઘટનામાં કાળનો કોળિયો બનનારા મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બચાવ કામગીરી હાથ ધરીને મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરી છે, જેમાં કુંદન લાલ સોની (ઉંમર ૭૫ વર્ષ), તેમના પત્ની રાજકુમારી સોની (ઉંમર ૬૫ વર્ષ), રીતુ સોની (ઉંમર ૪૨ વર્ષ), સ્મૃતિ સોની (ઉંમર ૪૦ વર્ષ), સૂર્યા સોની (ઉંમર ૪૫ વર્ષ) અને આદિત્ય સોની (ઉંમર ૧૬ વર્ષ) નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ દોડી આવેલી ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
તહેવારોની ઉજવણી વચ્ચે બનેલી આ હોનારતે રહેણાંક મકાનોમાં ફાયર સેફ્ટી અને ઈમરજન્સી એક્ઝિટની ગંભીરતા પર ફરી સવાલો ઊભા કર્યા છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અચાનક આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તેની સત્યતા જાણવા માટે એફએસએલ (FSL) અને ટેકનિકલ ટીમો દ્વારા ઘટનાસ્થળની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
