News of Friday, 24th July 2026
પાકિસ્તાનમાં ભીષણ આત્મઘાતી હુમલો: ધમાકા સાથે ચોકી ધ્વસ્ત : 12 જવાનો સહિત 15ના મોત : જવાબી કાર્યવાહીમાં 12 આતંકીઓ ઠાર
અફઘાન સરહદ નજીક ટેન્ક જિલ્લામાં વિસ્ફોટકોથી ભરેલી કાર ચેકપોસ્ટ સાથે અથડાવી TTP આતંકવાદીઓએ મચાવ્યો ભારે ઉત્પાત : સેનાના કડક વળતા પ્રહારમાં ડઝનબંધ આતંકીઓનો પણ સફાયો થયો

ખૈબર પખ્તુનખ્વા : ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના અશાંત સરહદી વિસ્તાર ટેન્ક જિલ્લામાં રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી આતંકવાદીઓએ સુરક્ષા દળો પર એક મોટો અને ઘાતક હુમલો કર્યો. પાકિસ્તાની સેના અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ સુરક્ષા ચોકીને લક્ષ્ય બનાવીને આવેલા ઇસ્લામિક આતંકવાદીઓએ શરૂઆતમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચોકી પર તૈનાત જાગૃત જવાનોએ ત્વરિત અને આક્રમક જવાબી ફાયરિંગ કરીને આતંકીઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું. ઘૂસણખોરીમાં નિષ્ફળ જતાં જ આતંકવાદીઓએ બંકર અને દિવાલ તોડવા માટે ભારે વિસ્ફોટકોથી ભરેલું વાહન સીધું ચેકપોસ્ટની બાહ્ય દિવાલ સાથે અથડાવી દીધું, જેના કારણે એક ભયાનક વિસ્ફોટ થયો હતો.
આ શક્તિશાળી ધમાકામાં સુરક્ષા ચોકીનું માળખું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને આસપાસનો વિસ્તાર પણ કંપાઈ ઉઠ્યો હતો. આ દુર્ઘટનામાં 12 બહાદુર સૈનિકો અને 3 સ્થાનિક લોકો સહિત કુલ 15 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. જોકે, હુમલા બાદ તુરંત જ સક્રિય થયેલા સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને વળતા પ્રહારમાં 12 આતંકવાદીઓને સ્થળ પર જ ઢાળી દીધા હતા. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, બાકી બચેલા આતંકીઓને શોધી કાઢવા માટે વિસ્તારમાં હજુ પણ વ્યાપક સર્ચ અને 'સેનિટાઝેશન' ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
આ લોહીયાળ હુમલાની જવાબદારી કુખ્યાત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ સ્વીકારી છે. સંગઠને દાવો કર્યો છે કે આ ઓપરેશનમાં તેમના ચાર આત્મઘાતી બોમ્બરો સામેલ હતા. વર્ષ 2007 થી પાકિસ્તાની સરકાર સામે હિંસક બળવો પોકારી રહેલું TTP દેશમાં કઠોર ઇસ્લામિક કાયદો લાદવા માંગે છે. આ ઘટના બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ ફરી વધી ગયો છે; પાકિસ્તાનનો આરોપ છે કે આતંકીઓ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે કરે છે, જ્યારે કાબુલ સ્થિત અફઘાન સરકારે આ આરોપોને ફગાવીને સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદ એ સંપૂર્ણપણે પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતા છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
