<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભીષણ દાવાનળે મચાવ્યો ભારે વિનાશ: ૨૦ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પ્રાંતમાં તાત્કાલિક અસરથી ઈમરજન્સી જાહેર

​ઓકાનાગન લેક આસપાસના રસ્તાઓ બંધ થતાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા લશ્કરી હેલિકોપ્ટરો મેદાને: ૧૦૦થી વધુ સ્થળોએ ફાટી નીકળેલી આગ પૈકી અડધોઅડધ આગ બેકાબૂ બનતા અનેક મકાનો અને મિલકતો બળીને ભસ્મીભૂત

​વેનકુવર / ઓટાવા:પશ્ચિમી કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં અચાનક ફાટી નીકળેલા અને પવનના વેગ સાથે ભડકે બળતા ભયાનક દાવાનળે આખા વિસ્તારને પોતાની લપેટમાં લઈ લેતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 'બોલ્ડ રેન્જ' નામના આ દાવાનળે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પ્રાંતિય સરકારે તાત્કાલિક અસરથી સમગ્ર બ્રિટિશ કોલંબિયામાં કટોકટી (સ્ટેટ ઓફ ઈમરજન્સી) જાહેર કરવાની ફરજ પડી છે. શુક્રવારે સાંજે શરૂ થયેલી આ આગ માત્ર ગણતરીના કલાકોમાં ૫૦ ચોરસ કિલોમીટરથી વધુ ક્ષેત્રફળમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ઓકાનાગન લેક અને આસપાસની ખીણોમાં વસેલા ૨૦,૦૦૦થી વધુ લોકોને રાતોરાત પોતાના ઘરો છોડીને ભાગવાની નોબત આવી છે.

​પ્રાંતિય આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન કેલી ગ્રીને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈમરજન્સીની ઘોષણા કરી છે, જેનાથી તંત્રને રાહત અને બચાવ કામગીરી માટે વિશેષ સત્તાઓ પ્રાપ્ત થઈ છે. પ્રાંતના પ્રીમિયર (મુખ્યમંત્રી) ડેવિડ ઈબીએ પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં અનેક ઘરો અને મિલકતો આગની જ્વાળાઓમાં ખાખ થઈ ચૂક્યા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કેટલાક વિસ્તારોમાં લોકો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા. જે વિસ્તારોના માર્ગો આગના કારણે કપાઈ ગયા છે, ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે એર-ઈવેક્યુએશન હાથ ધરવામાં આવ્યું છે."

​સ્થાનિક તંત્રના અહેવાલો મુજબ, આશરે ૧૨,૦૦૦ની વસ્તી ધરાવતા સમગ્ર 'સમરલેન્ડ' વિસ્તારને અને નજીકના 'પીચલેન્ડ'માંથી અંદાજે ૮,૦૦૦ લોકોને રાતોરાત સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 'ફોલ્ડર' નામના નાના સમુદાયના ૫૦થી વધુ લોકોને આગની લપેટમાંથી બચાવવા માટે તાત્કાલિક હેલિકોપ્ટર મારફતે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

​બીસી વાઇલ્ડફાયર સર્વિસના વાઇલ્ડફાયર ઓપરેશન્સ ડિરેક્ટર ક્લિફ ચિપમેનના જણાવ્યા અનુસાર, સમગ્ર બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હાલ ૧૦૦થી વધુ સ્થળોએ દાવાનળ સક્રિય છે, જેમાંથી અડધોઅડધ જેટલી આગ સંપૂર્ણપણે કાબૂ બહાર છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરનું અતિશય ગરમ અને પવનયુક્ત હવામાન તેમજ લાંબા સમયથી ચાલી રહેલી દુષ્કાળ જેવી સ્થિતિને કારણે આગ અત્યંત સ્ફોટક અને ઝડપી બની છે.

​કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ બચાવ કામગીરીમાં જોડાયેલા ફાયરફાઇટર્સ અને પ્રથમ પ્રતિભાવ આપનારાઓનો આભાર માનતા સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "અગ્નિશામકો લોકોના જીવન રક્ષણ માટે અવિરત મહેનત કરી રહ્યા છે. કેનેડાની ફેડરલ (કેન્દ્ર) સરકાર બ્રિટિશ કોલંબિયાની સરકારને લશ્કરી સહાય અને તમામ જરૂરી સાધન-સામગ્રી પૂરી પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે."

​હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ સૂકો પવન અને ઊંચું તાપમાન જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આગ વધુ વિસ્તારોમાં ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નાગરિકોને વહીવટીતંત્રની સૂચનાઓનું કડકપણે પાલન કરવા અને સલામત સ્થળો તરફ ખસી જવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે.

(1:55 PM IST)