<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ઉત્તર ભારતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: દિલ્હી-NCR સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી સપ્તાહ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી, પૂર્વોત્તરમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની શક્યતા: બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પર્વતીય રાજ્યોમાં પણ મેઘસવારી જારી રહેશે.

નવી દિલ્હી — તા.૦૩ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સાત દિવસ માટે દેશના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના હોવાની મોટી ચેતવણી જારી કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો (NCR), પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા તેમજ પંજાબમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ત્રાટકવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા સાથે ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાનું જોખમ પણ રહેલું છે.
પૂર્વોત્તર ભારતમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ૨૧ સેન્ટીમીટરથી વધુનો "અતિશય ભારે" વરસાદ પડવાની આશંકા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ચોમાસાએ પોતાની તાકાત બતાવતા કોંકણના માથેરાનમાં ૨૩ સેમી, પશ્ચિમ બંગાળના અલીપુરદુઆરમાં ૨૨ સેમી અને મહારાષ્ટ્રના તમની-મુલશીમાં ૨૦ સેમી જેટલો જળબંબાકાર કરતો વરસાદ વરસાવી દીધો છે. ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે.
પર્વતીય રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો સુધી વ્યાપક વરસાદ અને વાવાઝોડાનો દોર સતત ચાલુ રહેશે. આ ઉપરાંત, ૪ થી ૭ ઓગસ્ટ દરમિયાન ઝારખંડમાં, ૫ થી ૬ ઓગસ્ટ દરમિયાન બિહારમાં અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં પણ સારો એવો વરસાદ વરસવાની પૂરી સંભાવના છે. બીજી તરફ, છત્તીસગઢમાં ચોમાસાની સ્થિતિ હાલ સામાન્ય છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

(4:18 PM IST)