News of Thursday, 26th November 2026
FIFA પર મોટો સાયબર હુમલો, હેકર્સે ૧૨GB થી વધુ ગુપ્ત ડેટા ચોર્યાનો દાવો: કર્મચારીઓની ઓળખનો દુરુપયોગ કરી સર્વરમાં ઘૂસણખોરી : વૈશ્વિક ફૂટબોલ જગતમાં ખળભળાટ
'હેન્ડસમ બોય હેકિંગ ક્લબ' જૂથે લીધી જવાબદારી અને X પર ફાઇલોના સ્ક્રીનશોટ શેર કર્યા : ઓળખ કાર્ડ, ઇમિગ્રેશન દસ્તાવેજો, નાણાકીય તથા કાનૂની રેકોર્ડ ચોરાયાનો દાવો : જ્યારે FIFA એ મર્યાદિત માહિતી ઍક્સેસ થઈ હોવાની પુષ્ટિ કરી કાયદાકીય તપાસ શરૂ કરી

નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટી ફૂટબોલ સંસ્થા FIFA સાયબર હુમલાનો શિકાર બની છે, જેમાં હેકર્સે સંસ્થાની આંતરિક સિસ્ટમો સુધી પહોંચીને ૧૨GB થી વધુ ગુપ્ત ડેટા ચોરી લીધાનો દાવો કરતા ફૂટબોલ અને સાયબર જગતમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ સાયબર હુમલાની જવાબદારી 'હેન્ડસમ બોય હેકિંગ ક્લબ' નામના હેકિંગ જૂથે સ્વીકારી છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર FIFA સંબંધિત કેટલીક ફાઇલોના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા છે. હેકર જૂથનો દાવો છે કે ચોરાયેલા ડેટામાં ઓળખ કાર્ડ, ઇમિગ્રેશન દસ્તાવેજો, સત્તાવાર વિગતો, નાણાકીય રેકોર્ડ, કાનૂની દસ્તાવેજો તેમજ આંતરિક કામગીરી અને વહીવટને લગતી માહિતી સામેલ છે. બીજી તરફ, FIFA એ પણ સાયબર ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે કેટલીક વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતી ઍક્સેસ કરવામાં આવી હતી, જોકે હુમલો ક્યારે થયો અને કેટલા લોકો અસરગ્રસ્ત થયા તેની વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે હેકર્સે FIFA ની સિસ્ટમમાં કોઈ તકનીકી ખામીનો લાભ લેવાને બદલે કર્મચારીઓની ઓળખનો દુરુપયોગ કરીને આંતરિક પ્રવેશ મેળવ્યો હતો. અહેવાલો મુજબ, કર્મચારીઓ તરીકે પોતાને રજૂ કરીને હેકર્સે ગુપ્ત માહિતી મેળવી હતી, જ્યારે FIFA ના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે મર્યાદિત માત્રામાં વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતી જ ઍક્સેસ થઈ છે, જે સંસ્થાના કુલ ડેટાના ૦.૧ ટકા કરતા પણ ઓછી છે. સંગઠને એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં હવે બંધ થઈ ગયેલા 'FIFA ફોરવર્ડ એન્ટરપ્રાઇઝ' દરખાસ્ત સંબંધિત કોઈ દસ્તાવેજો સામેલ નથી, અને અસરગ્રસ્ત લોકોને થઈ શકે તેવા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી ડેટા ચોરી તથા તેના જાહેર ખુલાસાની સખત નિંદા કરવામાં આવી છે.
FIFA એ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સંબંધિત અધિકારીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને સઘન તપાસ શરૂ કરી છે, જ્યારે ચોરાયેલા દસ્તાવેજોની સંપૂર્ણ હદ હજુ સ્પષ્ટ થવાની બાકી છે. નોંધનીય છે કે તાજેતરના સમયમાં ફૂટબોલ સંસ્થાઓ પર સાયબર હુમલાના બનાવો વધી રહ્યા છે; નવેમ્બરની શરૂઆતમાં સ્પેનિશ ફૂટબોલ લીગ 'લા લિગા' સાથે જોડાયેલા ડિજિટલ પ્લેટફોર્મ પર અનધિકૃત પ્રવેશ નોંધાયો હતો, તો જુલાઈમાં આર્જેન્ટિના ફૂટબોલ ફેડરેશને પણ ઇમેઇલ લીક થયા બાદ સંભવિત સાયબર હુમલાની તપાસ આરંભી હતી.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
