News of Friday, 15th May 2026
ટ્રેનમાં TTE સાથેની માથાકૂટ હવે કેમેરામાં થશે કેદ: ભારતીય રેલવેનો હાઈ-ટેક નિર્ણય : બોડી કેમેરા સાથે સજ્જ થશે સ્ટાફ
ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફરો અને રેલવે કર્મચારીઓ વચ્ચે થતા વિવાદો તેમજ ખોટી ફરિયાદોનો કાયમી અંત લાવવા માટે લેવાયો ડિજિટલ નિર્ણય : ૨૦ કલાકના બેટરી બેકઅપ સાથે ચોવીસ કલાક રહેશે નજર

નવી દિલ્હી: ભારતીય રેલવે હવે મુસાફરોની સફરને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિવાદમુક્ત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ અવતાર ધારણ કરવા જઈ રહી છે. ટ્રેનોમાં ટિકિટ ચેકિંગની પરંપરાગત શૈલીને હાઈ-ટેક સિસ્ટમમાં રૂપાંતરિત કરતા રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. આ નવી યોજના અંતર્ગત હવે ટ્રેનમાં ફરજ બજાવતા તમામ TTEsના ગણવેશ પર 'બોડી ઓન કેમેરા' લગાવવામાં આવશે. આ અત્યાધુનિક કેમેરા ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફરો અને રેલવે સ્ટાફ વચ્ચે થતી તમામ વાતચીત અને પ્રવૃત્તિઓને લાઈવ રેકોર્ડ કરશે, જેથી ટ્રેનની અંદર થતી કોઈ પણ દલીલબાજી, ગેરવર્તણૂક કે વિવાદના કિસ્સામાં સચોટ વિઝ્યુઅલ પુરાવા મળી રહે.
આ ખાસ પ્રકારના બોડી કેમેરા કદમાં એકદમ નાના અને આધુનિક ફિચર્સથી સજ્જ હશે, જેમાં હાઈ-ડેફિનેશન વિડિયો રેકોર્ડિંગ, રાત્રિના અંધારા માટે નાઈટ વિઝન અને સ્પષ્ટ ઓડિયો રેકોર્ડિંગની સુવિધા ઉપલબ્ધ હશે. લાંબા અંતરની ટ્રેનોને ધ્યાનમાં રાખીને આ કેમેરામાં આશરે ૨૦ કલાકનો પાવરફુલ બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે, જેથી આખી સફર દરમિયાન દેખરેખ રાખી શકાય. સૌથી મહત્વની વાત એ છે કે આ કેમેરા સંપૂર્ણપણે ટેમ્પર-પ્રૂફ છે, એટલે કે કોઈ પણ કર્મચારી કે બહારની વ્યક્તિ રેકોર્ડ થયેલા ડેટા અથવા વિડિયો સાથે કોઈ છેડછાડ કરી શકશે નહીં. રેલવે મંત્રાલયે પ્રાથમિક તબક્કે મુંબઈ, વોલ્ટેર અને રાયપુર જેવા વ્યસ્ત રેલવે ડિવિઝનમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે આ સિસ્ટમ શરૂ કરી દીધી છે અને ત્યાંના સ્ટાફને વિશેષ તાલીમ પણ આપી દેવામાં આવી છે.
રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમથી મુસાફરો અને રેલવે કર્મચારીઓ બંનેને સમાન સુરક્ષા મળશે. ઘણીવાર ટ્રેનોમાં સીટની ફાળવણી કે ટિકિટ વિના મુસાફરી કરવા બાબતે ગંભીર વિવાદો સર્જાતા હોય છે અને સોશિયલ મીડિયા પર અધૂરા વીડિયો મૂકીને એકબીજા પર ખોટા આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ હવે આ ત્રીજી આંખ (કેમેરા) ની હાજરીના કારણે આવી ખોટી ફરિયાદોની તટસ્થ તપાસ થઈ શકશે. AI આધારિત દેખરેખ અને સ્માર્ટ સ્ટેશનો બાદ રેલવેનું આ નવું કદમ મુસાફરી દરમિયાન શિસ્ત અને નૈતિકતા જાળવવામાં માઇલસ્ટોન સાબિત થશે. પાઇલટ પ્રોજેક્ટના સકારાત્મક પરિણામો આવતાની સાથે જ આગામી સમયમાં દેશભરની તમામ ટ્રેનોમાં આ હાઈ-ટેક કેમેરા સિસ્ટમ સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
