તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
FIITJEE અને તેના ડાયરેક્ટર દંપતી સામે ઈડી (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી: વિદ્યાર્થીઓની ફીના ૮૫ કરોડ રૂપિયાના કથિત દુરુપયોગ બદલ ચાર્જશીટ દાખલ!
વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ ફી પેટે કરોડો રૂપિયા ઉઘરાવીને અચાનક કેન્દ્રો બંધ કરી દેનાર જાણીતી કોચિંગ સંસ્થા FIITJEE અને તેના ડાયરેક્ટર દિનેશ કુમાર ગોયલ તથા મોનિલા ગોયલ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સકંજો કસીને ચાર્જશીટ દાખલ કરી છે.

નવી દિલ્હી : શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતી અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ (JEE) માટે જાણીતી કોચિંગ સંસ્થા FIITJEE લિમિટેડ સામે કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી અગાઉથી વસૂલવા છતાં તેમને યોગ્ય સેવાઓ ન પૂરી પાડીને અને તે રકમનો દુરુપયોગ કરીને મની લોન્ડરિંગ આચરવાના આરોપસર ED એ FIITJEE તેમજ તેના ડાયરેક્ટર દંપતી—દિનેશ કુમાર ગોયલ અને મોનિલા ગોયલ—વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ સમગ્ર કૌભાંડમાં વિદ્યાર્થીઓ પાસેથી ગેરરીતિથી હડપ કરવામાં આવેલી ૮૫.૭૯ કરોડ રૂપિયાની રકમને 'ગુનાની કમાણી' (proceeds of crime) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
ED દ્વારા આ કેસમાં કડક કાર્યવાહી કરતા અગાઉ ૯ ઓક્ટોબરના રોજ ૬૬.૯૨ કરોડ રૂપિયાની સંપત્તિ કામચલાઉ ધોરણે ટાંચમાં (attest) લેવામાં આવી હતી. આ ઉપરાંત, એપ્રિલ ૨૦૨૫માં હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહી દરમિયાન ૧૦ લાખ રૂપિયા રોકડા અને ૪.૮૬ કરોડ રૂપિયાના કિંમતી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એજન્સીએ કુલ ૭૧.૮૮ કરોડ રૂપિયાની સંપત્તિ કાયમી ધોરણે જપ્ત કરવાની સાથે સાથે PMLA કાયદા હેઠળ આરોપીઓને કસૂરવાર ઠેરવવાની માંગણી કરી છે.
આ મામલો ઉત્તર પ્રદેશ (નોઈડા) અને મધ્ય પ્રદેશ (ભોપાલ) પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર અલગ-અલગ FIR પર આધારિત છે. પીડિત વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદો અનુસાર, સંસ્થા દ્વારા JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ૨ થી ૪ વર્ષના કોચિંગ પ્રોગ્રામના નામે વિદ્યાર્થીઓ દીઠ ૨.૮ લાખથી ૩.૫ લાખ રૂપિયા સુધીની માતબર ફી અગાઉથી વસૂલવામાં આવી હતી. પરંતુ સમય જતાં શિક્ષકો (ફેકલ્ટી)ને નિયમિત પગાર ન મળવાને કારણે તેઓ નોકરી છોડીને ચાલ્યા ગયા હતા, અને સંચાલકોએ અચાનક દેશભરના કેન્દ્રો બંધ કરી દીધા હતા.
ED ની તપાસમાં ખુલાસો થયો છે કે FIITJEE એ મે ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન અચાનક ૩૨ કેન્દ્રો બંધ કરી દીધા હતા, જેના કારણે ૧૪,૪૧૧ જેટલા નોંધાયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હતું. સંસ્થાના સંચાલકો કંપની ખોટમાં હોવા છતાં અને સેવાઓ પૂરી પાડી શકાય તેમ ન હોવા છતાં નવા વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતા રહ્યા હતા. ખાસ કરીને, ગોયલ પરિવાર પાસે ૮૬.૩૧ ટકા શેર હોવાથી તેમણે કોઈપણ સ્વતંત્ર દેખરેખ વિના મનસ્વી રીતે કરોડો રૂપિયાના પગાર ઉપાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે દિનેશ કુમાર દર મહિને આશરે ૫૬ લાખ રૂપિયા અને મોનિલા ગોયલ દર મહિને ૨૫ લાખ રૂપિયાથી વધુનો પગાર લેતા હતા, જ્યારે મોનિલા નિયમિત ઓફિસ પણ જતી ન હતી.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૨માં સ્થપાયેલી આ પ્રતિષ્ઠિત કોચિંગ સંસ્થાના સંચાલકો સામે નોઈડા પોલીસ સમક્ષ ૩૦૦થી વધુ પીડિતો અને સાક્ષીઓએ પુરાવા રજૂ કર્યા હતા. હાલ આ મામલે કાનૂની શિખંજા વધુ મજબૂત બન્યો છે, ત્યારે આગામી દિવસોમાં સંસ્થાના સંચાલકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની પૂરી સંભાવના છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
