<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

યુપીમાં ફિલ્મી સ્ટાઈલ લાઈવ એન્કાઉન્ટર: ટ્રેનમાં ઘેરાબંધી, માસૂમ બાળકને ઢાલ બનાવ્યો અને પછી... ધોળા દિવસે ભીષણ ગોળીબારમાં બે રીઢા ગુનેગારો ઠાર, બે જાંબાઝ પોલીસકર્મી લોહીલુહાણ

શિકોહાબાદ રેલ્વે સ્ટેશન ધણધણી ઉઠ્યું; બાઇક આંચકીને ભાગતા બદમાશોને પોલીસે ખેતરોમાં ઘેરીને યમસદન પહોંચાડ્યા, એક કોન્સ્ટેબલની હાલત અત્યંત નાજુક

ફિરોઝાબાદ, તા.૧૭: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં આજે ધોળા દિવસે ખાખી અને ગુનેગારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. તમંચાની અણીએ કાયદો હાથમાં લેનારા બે રીઢા ગુનેગારોને પોલીસે ભીષણ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. જોકે, આ સામસામે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં એસ.ઓ.જી. (SOG) ટીમના બે જાંબાઝ કોન્સ્ટેબલ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત અત્યંત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે. આ લાઈવ એન્કાઉન્ટરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

ગાઝિયાબાદથી ઝારખંડ ભાગવાની ફિરાકમાં હતા બદમાશો

મળતી માહિતી મુજબ, ગત ૩ જુલાઈના રોજ ઇટાવામાં એક ડૉક્ટર સાથે થયેલી મોટી લૂંટના કેસમાં સુમિત અને અંકિત ઉર્ફે સીપુ નામના બે ખતરનાક ગુનેગારો ફરાર હતા. શુક્રવારે પોલીસને સચોટ બાતમી મળી હતી કે આ બંને બદમાશો ગાઝિયાબાદથી ઝારખંડ જઈ રહેલી 'સંબલપુર એક્સપ્રેસ' ટ્રેનમાં સવાર છે. ઇટાવા એસ.ઓ.જી.ની ટીમે તુરંત એક્શનમાં આવીને શિકોહાબાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેનને ચારેય બાજુથી ઘેરી લીધી હતી.

ચેઈન ખેંચી, બાળકને ઢાલ બનાવ્યો અને બાઇક લૂંટી

પોલીસને પોતાની તરફ આવતી જોઈને ગુનેગારો બોખલાઈ ગયા હતા. ટ્રેન જેવી સ્ટેશન પરથી ઉપડવા લાગી કે તુરંત તેમણે ચેઈન ખેંચીને ટ્રેન રોકી દીધી અને નીચે કૂદી પડ્યા. ધરપકડથી બચવા માટે આ નિર્દય ગુનેગારોએ હદ વટાવી દીધી અને એક માસૂમ બાળકને પકડીને પોતાની ઢાલ બનાવી લીધો. તેમણે પોલીસને ધમકી આપી કે, "જો પાછળ આવ્યા તો આ બાળકને જાનથી મારી નાખીશું!" જોકે, પોલીસનો દબાવ વધતા તેઓ બાળકને ફેંકીને આગળ ભાગ્યા અને રસ્તામાં એક મોટરસાઇકલ ચાલક પાસેથી બાઇક આંચકીને છીચા રેલ્વે બ્રિજ તરફ નાસી છૂટ્યા.

ખેતરોમાં ખેલાયો લોહિયાળ જંગ: બે કોન્સ્ટેબલ ઘાયલ

રેલ્વે સ્ટેશન પર જ ઘેરાબંધી દરમિયાન બદમાશોએ અચાનક કરેલા ફાયરિંગમાં એસ.ઓ.જી. કોન્સ્ટેબલ ડેવિડ ચૌહાણને પેટના ભાગે ગોળી વાગી હતી. આ હુમલા બાદ પોલીસ તંત્ર હચમચી ગયું હતું અને આસપાસના અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે બાઇક પર ભાગી રહેલા ગુનેગારોનો પીછો ચાલુ રાખ્યો. પોતાને ચારેય તરફથી ઘેરાયેલા જોઈને ગુનેગારો બાઇક છોડીને રસ્તાની બાજુમાં આવેલા ખેતરોમાં ઘૂસી ગયા અને સતત ફાયરિંગ ચાલુ રાખ્યું. આ દરમિયાન બીજા કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર ચૌધરીને પણ ખભાના ભાગે ગોળી વાગી હતી. પોલીસે આત્મરક્ષણ અને જવાબી કાર્યવાહીમાં જોરદાર ફાયરિંગ કર્યું, જેમાં એક પછી એક બંને ગુનેગારો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

ઘાયલ કોન્સ્ટેબલ આગ્રા રિફર, વિસ્તારમાં ચુસ્ત બંદોબસ

એ.ડી.જી. (ADG) એસ.કે. ભગતે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને ગુનેગારો ઇટાવાના રહેવાસી હતા અને તેમની સામે અગાઉથી જ અનેક ગુનાહિત કેસો નોંધાયેલા હતા. બીજી તરફ, પેટમાં ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા કોન્સ્ટેબલ ડેવિડ ચૌહાણની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક આગ્રા રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે બીજા ઘાયલ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર ફિરોઝાબાદના પ્રાઇવેટ ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(4:27 PM IST)