<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

દોહામાં યુએસ-ઈરાન ડીલનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર: મધ્યસ્થી બનવા મથતા પાકિસ્તાનને મોટો આંચકો

ઈસ્લામાબાદના બદલે કતારની રાજધાનીમાં પરમાણુ અને હોર્મુઝ સ્ટ્રેટ કરારને આખરી ઓપ આપવા અરાઘચી અને ગાલિબાફ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ દોહા પહોંચ્યું

દોહા:  અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક વચગાળાના કરારને આખરી ઓપ આપવા માટે કતારની રાજધાની દોહામાં હલચલ તેજ થઈ ગઈ છે. આ શાંતિ વાટાઘાટોમાં પાકિસ્તાનને મોટો રાજદ્વારી આંચકો લાગ્યો છે, કારણ કે ઈસ્લામાબાદ આ મહત્વપૂર્ણ બેઠકની યજમાની કરવાની આશા રાખી રહ્યું હતું. સોમવારે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી, વાટાઘાટ ટીમના વડા એમ.બી. ગાલિબાફ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર સહિતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 'દોહા ટૉક્સ' માટે કતાર પહોંચી ગયું છે, જ્યાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને યુરેનિયમ સંવર્ધન સંબંધિત અંતિમ મુસદ્દાને આખરી ઓપ અપાશે.

ઈરાન અને અમેરિકા સૈદ્ધાંતિક રીતે આ સમજૂતી પર સહમત થયા હોવાના સંકેતો મળી રહ્યા છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ આ સર્વસંમતિને પુષ્ટિ આપી છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે બંને દેશો વચ્ચે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વચગાળાના કરાર હેઠળ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી વૈશ્વિક જહાજોની અવરજવર મુક્ત કરશે અને બદલામાં અમેરિકા તેના પર લાદવામાં આવેલા કડક આર્થિક પ્રતિબંધો હળવા કરશે, જેનાથી બંને દેશો કટોકટીમાંથી બહાર આવી શકશે.

બીજી તરફ, આ કરારને કારણે અમેરિકા અને તેના પરંપરાગત સાથી દેશ ઇઝરાયેલ વચ્ચેના સંબંધોમાં મોટો તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ સમગ્ર વાટાઘાટોમાંથી ઇઝરાયેલને સંપૂર્ણપણે અલગ રાખ્યું છે, જેનાથી પીએમ બેન્જામિન નેતન્યાહૂ ભારે નારાજ હોવાના અહેવાલો છે. પ્રાદેશિક અને આર્થિક દબાણ સામે ઝૂકેલા ટ્રમ્પ કોઈપણ સંજોગોમાં આ કરાર પર હસ્તાક્ષર કરવા મક્કમ દેખાઈ રહ્યા છે, જ્યારે પાકિસ્તાનની 'પીસ ટૉક-૨' ની યજમાની કરવાની યોજનાઓ પર પાણી ફરી વળ્યું છે.

(10:39 PM IST)