<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

UPI પર ૦.૪% MDR મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણની સ્પષ્ટતા: 'આ કોઈ ટેક્સ, સેસ કે સરચાર્જ નથી, સરકારને એક રૂપિયો પણ નહીં મળે'

રૂ. ૨,૦૦૦ થી વધુના પસંદગીના P2M ટ્રાન્ઝેક્શન પર જ લાગશે ચાર્જ; ૯૬% નાના વેપારીઓ અને તમામ સામાન્ય ગ્રાહકો રહેશે સંપૂર્ણ મુક્ત!

નવી દિલ્હી, તા.૨૫: યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ના અમુક ચોક્કસ વ્યવહારો પર ૧૫ ઓક્ટોબરથી લાગુ થનારા ૦.૪ ટકા 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) ને લઈને દેશભરમાં શરૂ થયેલી રાજકીય આશંકાઓ અને વિપક્ષી પ્રહારો વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ સૂચિત MDR એ કોઈ ટેક્સ, સેસ કે સરચાર્જ નથી અને તેની આવકમાંથી એક પણ રૂપિયો ભારત સરકારના સંચિત ભંડોળ (Consolidated Fund of India) માં જવાનો નથી.

નાણામંત્રીએ PTI સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે MDR એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત રાખવા માટેનો એક વહીવટી ચાર્જ છે. આ રકમ સિસ્ટમ સાથે જોડાયેલા પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ, વેપારીઓની બેંકો, ગેટવે અને UPI એપ્લિકેશન્સ વચ્ચે વહેંચવામાં આવશે. તેમણે સ્પષ્ટ ખાતરી આપી હતી કે આ ચાર્જનો કોઈ પણ બોજ સામાન્ય ગ્રાહકો પર નાખવામાં આવશે નહીં અને 'પર્સન-ટુ-પર્સન' (P2P) તમામ વ્યવહારો પહેલાની જેમ જ મફત રહેશે.

કઈ રીતે વહેંચાશે MDR અને કયા વ્યવહારોને મળશે રાહત?

NPCI ની નવી માર્ગદર્શિકા મુજબ એકત્રિત થનારા કુલ MDR માંથી ૪૦% ગ્રાહકના ખાતાવાળી બેંકને, ૩૦% પેમેન્ટ ગેટવેને, ૨૦% UPI એપને અને ૧૦% સ્પોન્સર બેંકને મળશે. આ ઉપરાંત ૫% રકમ નાના વેપારીઓમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટેના ફંડમાં જશે. રૂ. ૨,૦૦૦ સુધીના તમામ વ્યવહારો અને RuPay દ્વારા થતા ટ્રાન્સફર સંપૂર્ણપણે મફત રહેશે. મહિને રૂ. ૧ લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન મેળવતા નાના વેપારીઓને પણ આમાંથી મુક્તિ અપાઈ છે, જેથી દેશના આશરે ૯૬ ટકા નાના વેપારીઓ પર તેની કોઈ અસર થશે નહીં.

રૂ. ૨,૦૦૦થી વધુના કમર્શિયલ ટ્રાન્ઝેક્શન માટે મહત્તમ ફીની મર્યાદા (કેપ) રૂ. ૩૦૦ નક્કી કરાઈ છે. જ્યારે રેલવે, વીમા, ઈંધણ અને ટેલિકોમ જેવી આવશ્યક સેવાઓ માટે રૂ. ૨,૦૦૦થી વધુના વ્યવહાર પર માત્ર રૂ. ૫ નો નિશ્ચિત ચાર્જ લાગુ થશે. નાણામંત્રીએ ઉમેર્યું હતું કે વેપારીઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર પહેલેથી જ MDR ચૂકવે છે, તેથી આ નવી વ્યવસ્થાને ગ્રાહકો પરના વધારાના બોજ તરીકે ન જોવી જોઈએ.

(4:52 PM IST)