તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 4th November 2026
રાજ્યોની નાણાકીય સત્તા પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: વધારાનો વેચાણ વેરો વસૂલવાનો અધિકાર યથાવત
૧૯૭૪ના ઐતિહાસિક 'એસ. કોડર કેસ'ને સુપ્રીમ કોર્ટે ગણાવ્યો સંપૂર્ણપણે યોગ્ય : GST અને કાયદાકીય ફેરફારો વચ્ચે સાત સભ્યોની બંધારણીય બેન્ચે સર્વાનુમતે મોટો ચુકાદો આપીને મામલો કર્યો સ્પષ્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજ્યોના કર વસૂલાતના અધિકારો અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી ચુકાદો આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળ રચાયેલી સાત સભ્યોની સર્વોચ્ચ બંધારણીય બેન્ચે બુધવારે એક સર્વાનુમતે મોટો નિર્ણય લેતાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યો પાસે વધારાનો વેચાણ વેરો વસૂલવાનો સંપૂર્ણ અધિકાર છે. અદાલતે મ્હોર મારી છે કે અંદાજે પાંચ દાયકા એટલે કે ૧૯૭૪માં પાંચ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા 'એસ. કોડર વિરુદ્ધ કેરળ રાજ્ય'ના મામલામાં આપવામાં આવેલો ઐતિહાસિક નિર્ણય આજે પણ એટલો જ પ્રાસંગિક અને કાય઼દાકીય રીતે અમલમાં છે.
આ કાનૂની વિવાદ છેલ્લા લગભગ ૨૭ વર્ષથી સાત ન્યાયાધીશોની મોટી બેન્ચમાં પેન્ડિંગ હતો. જોકે, સમયની સાથે બદલાયેલા સંજોગો, પ્રવર્તમાન કાયદાઓમાં મોટા ફેરફારો અને દેશભરમાં 'ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ' (GST) ના સફળ અમલીકરણને કારણે કોર્ટે અવલોકન કર્યું છે કે આ મુદ્દો હવે મોટાભાગે વ્યવહારિક મહત્વ ગુમાવી ચૂક્યો છે અને તે માત્ર શૈક્ષણિક વિષય બની ગયો છે. આથી, આ મામલે કોઈ નવો કે અલગથી નિર્ણય લેવાની જરૂરિયાત નથી અને જૂનો ૧૯૭૪નો સિદ્ધાંત જ કાયમી ધોરણે લાગુ રહેશે.
ચુકાદો લખતી વખતે સીજેઆઈ સૂર્યકાંત અને અન્ય ન્યાયાધીશોએ સ્પષ્ટ કર્યું કે, હાલના વેચાણ વેરાની ટકાવારીના આધારે કોઈપણ પ્રકારનો વધારાનો કર લાદવો એ વાસ્તવમાં વેચાણ વેરાના દરમાં જ વધારો ગણાય છે. બંધારણની સાતમી અનુસૂચિની રાજ્ય સૂચિની કલમ-૫૪ હેઠળ રાજ્યોને આ માલના વેચાણ અને ખરીદી પર કર નાખવાની કાયદાકીય સત્તા મળેલી છે. આ ચુકાદાથી રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા અને સરચાર્જ કે વધારાના કર વસૂલવાની ક્ષમતાને વધુ મજબૂત કાયદાકીય સુરક્ષા મળી ગઈ છે.
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
