<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમેરિકી નાણા વિભાગની આર્થિક ગુના નિવારણ શાખા FinCEN પર સાયબર હુમલો : સુરક્ષાના ભાગરૂપે અનેક સિસ્ટમ ઓફલાઈન કરાઈ

મર્યાદિત સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ બાદ તપાસનો ધમધમાટ : બેન્કિંગ રિપોર્ટિંગની સમયમર્યાદા 30 ડિસેમ્બર સુધી લંબાવાઈ : CIA અને FBI બાદ વધુ એક અમેરિકી સરકારી એજન્સી નિશાના પર આવતા સુરક્ષા ચિંતા વધી

વોશિંગ્ટન : અમેરિકાના નાણા વિભાગ હેઠળ કાર્યરત ફાઈનાન્સિયલ ક્રાઈમ્સ એન્ફોર્સમેન્ટ નેટવર્ક એટલે કે ફિનસેન (FinCEN) પર મોટો સાયબર હુમલો થયો હોવાની વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. એજન્સીની કેટલીક મર્યાદિત સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવીને ડેટા એક્સેસ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર સુરક્ષા ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે બ્યુરો દ્વારા પોતાની અમુક મહત્વપૂર્ણ સિસ્ટમ્સને તાત્કાલિક અસરથી ઓફલાઈન કરી દેવામાં આવી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

ફિનસેન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હાલમાં આ સાયબર ઘૂસણખોરીની તપાસ ચાલી રહી છે. જોકે, આ હેકિંગ ક્યારે થયું હતું, કઈ ચોક્કસ સિસ્ટમ કે ડેટા સુધી હેકર્સ પહોંચ્યા છે, કોઈ સંવેદનશીલ માહિતીની ચોરી થઈ છે કે કેમ અને આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષાના પગલાંરૂપે અનેક સેવાઓ બંધ રાખવામાં આવી છે.

આ ટેકનિકલ અવરોધ છતાં નાણાકીય સંસ્થાઓ માટે ઈલેક્ટ્રોનિક ફાઈલિંગની સુવિધા ચાલુ રાખવામાં આવી છે. બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ બેન્ક સિક્રેસી એક્ટ હેઠળના રિપોર્ટ્સ અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગેના રિપોર્ટ ઓનલાઈન સબમિટ કરી શકે છે, જોકે કેટલીક પેટા સેવાઓ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહી શકે છે. કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે શંકાસ્પદ નાણાકીય ગતિવિધિઓની તાત્કાલિક માહિતી શેર કરવા માટે ફિનસેનની ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ હોટલાઈન 1-866-556-3974 રાબેતા મુજબ કાર્યરત રાખવામાં આવી છે.

સિસ્ટમ બંધ રહેવાને કારણે નાણાકીય સંસ્થાઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ફિનસેને 24 નવેમ્બર 2026 ના રોજ ઓર્ડર એફઆઈએન 2026 આર002 જારી કરીને રિપોર્ટિંગની સમયમર્યાદા લંબાવી આપી છે. જે સંસ્થાઓ 18 નવેમ્બર સુધી સિક્યોર ડેટા ટ્રાન્સફર મોડનો ઉપયોગ કરતી હતી અને જેમના બેન્ક સિક્રેસી એક્ટ રિપોર્ટ્સ 18 નવેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે જમા કરાવવાના થતા હતા, તેમને હવે 30 ડિસેમ્બર 2026 સુધીની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત અમુક બેનિફિશિયલ ઓનરશિપ ઈન્ફોર્મેશન રિપોર્ટ્સ અને ફિનસેન આઈડેન્ટિફાયર અપડેટ્સ માટે પણ આ મુદત વધારો લાગુ પડશે. જોકે, એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદને નાણાં પૂરા પાડવા સામેની દેખરેખની જવાબદારીઓ યથાવત રહેશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં અમેરિકાની અન્ય ટોચની સરકારી સંસ્થાઓ પણ સાયબર હુમલાનો ભોગ બની છે. થોડા સમય પહેલા જ CIA અને ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ ની ઓપન સોર્સ ઈન્ટેલિજન્સ સિસ્ટમમાં ભંગાણ પડ્યાના અહેવાલો આવ્યા હતા, જ્યારે અમેરિકી કૃષિ વિભાગ અને FBI માં પણ અલગ અલગ સુરક્ષા વિક્ષેપો જોવા મળ્યા હતા. જોકે, ફિનસેન પર થયેલો આ હુમલો અન્ય એજન્સીઓની ઘટનાઓ કે એસડીટીએમ સેવામાં આવેલા વિક્ષેપ સાથે જોડાયેલો છે કે કેમ તે અંગે અધિકારીઓએ હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

(11:40 AM IST)