તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
પટનામાં 'ખાન સર' ના કોચિંગ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી : હજારો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલ ઉઠ્યા
કોચિંગની બહાર ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભીડ એકઠી થઈ ગઈ : વાતાવરણમાં ડર અને ભયનો માહોલ

પટના :તાજેતરના દિવસોમાં દેશના વિવિધ શહેરોમાં આગ લાગવાની (અગ્નિકાંડની) ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેક દિલ્હીની કોઈ આલીશાન હોટલ ભસ્મીભૂત થઈ જાય છે, તો ક્યારેક લખનઉના કોઈ કોચિંગ સેન્ટરમાં આગ ભભૂકી ઊઠે છે. આ ઘટનાઓની વણથંભી વણઝાર વચ્ચે હવે બિહારની રાજધાની પટનામાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પટનાના પ્રખ્યાત 'ખાન સર' ના કોચિંગ સેન્ટર (ખાન ગ્લોબલ સ્ટડીઝ) માં ગુરુવારે (25 જૂન, 2026) સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુસલ્લહપુર હાટ વિસ્તારમાં આ ઘટના બની હતી. અહીં 'કિસાન કોલ્ડ સ્ટોરેજ કેમ્પસ'માં ખાન ગ્લોબલ સ્ટડીઝનું વિશાળ કેન્દ્ર આવેલું છે. આ જ કેમ્પસમાં રૌશન આનંદનું જાણીતું 'જ્ઞાન બિંદુ કોચિંગ' પણ ચાલે છે. ગુરુવારે સાંજે જ્યારે કોચિંગ સેન્ટરમાં રાબેતા મુજબ ક્લાસ ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક બહારના ભાગમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા ઘટનાના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોચિંગની બહાર ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. વાતાવરણમાં ડર અને ભયનો માહોલ સ્પષ્ટ દેખાતો હતો.
પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ કોચિંગ સેન્ટરની અંદર ક્લાસરૂમમાં નહીં, પરંતુ બહાર લાગેલા એક મોટા બોર્ડ અને ઇલેક્ટ્રિક પેનલ પાસે લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતો અને સ્થાનિક લોકો માની રહ્યા છે કે શોર્ટ સર્કિટના કારણે જ આ અકસ્માત સર્જાયો હશે. આગ બહારના ભાગમાં લાગી હોવાથી અને તરત જ તેના પર કાબૂ મેળવી લેવાયો હોવાથી આગ અંદર સુધી પહોંચી શકી નહોતી.
ઘટના સમયે કિસાન કોલ્ડ સ્ટોરેજ કેમ્પસમાં સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. આગ પકડનાર ઇલેક્ટ્રિક પેનલ ખાન ગ્લોબલ સ્ટડીઝના ગેટની બિલકુલ નજીક જ હતી. વિશાળ ધુમાડો જોઈને કેમ્પસમાં થોડા સમય માટે ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જોકે, કોચિંગ મેનેજમેન્ટે સમયસૂચકતા વાપરીને ક્લાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થી કે કર્મચારીને ઈજા પહોંચી નથી અને તમામ સુરક્ષિત છે
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
