<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

ગુરુગ્રામમાં આગનું તાંડવ: સિકંદરપુર મેટ્રો નજીક 150 ઝૂંપડાઓ રાખમાં ફેરવાયા અને પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ જ્વાળાઓથી આકાશ કાળું પડ્યું

સાયબર સિટીમાં બે અલગ-અલગ સ્થળોએ લાગેલી આગથી અફરાતફરી મચી, ગરીબ પરિવારોની જીવનભરની મૂડી ક્ષણવારમાં હોમાઈ અને ફેક્ટરીમાં લાખોનું નુકસાન છતાં સદનસીબે જાનહાનિ ટળી

ગુરુગ્રામ : દિલ્હીને અડીને આવેલા હાઈટેક સિટી ગુરુગ્રામમાં રવિવારે આગની બે મોટી ઘટનાઓએ વહીવટીતંત્રને દોડતું કરી દીધું હતું. પ્રથમ બનાવમાં સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા જોતજોતામાં ૧૫૦ જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે ગરીબ શ્રમિકોને પોતાનો સામાન બચાવવાનો પણ મોકો મળ્યો ન હતો. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને વધુ ફેલાતી અટકાવી હતી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ રહસ્ય અકબંધ છે.

બીજી ઘટના બાજઘેરા ગામમાં બની હતી, જ્યાં વહેલી સવારે એક પ્લાસ્ટિક ફેક્ટરીના ગોદામમાં ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકોએ સમયસૂચકતા વાપરી તુરંત બહાર દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ અંદર રાખેલો લાખોનો કાચો માલ અને મશીનરી બળીને રાખ થઈ ગયા છે.

પોલીસ અને વહીવટીતંત્ર અત્યારે બંને સ્થળોએ આગ લાગવાના કારણોની તપાસ કરી રહ્યા છે. સિકંદરપુરની ઘટનામાં બેઘર થયેલા લોકો માટે કામચલાઉ આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યારે પ્લાસ્ટિક ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનોની સ્થિતિ અંગે પણ તપાસ હાથ ધરાશે. ગુરુગ્રામમાં વધી રહેલા ગરમીના પારા વચ્ચે આગની આ બેવડી ઘટનાઓએ રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. અત્યારે બંને સ્થળોએ કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી સ્થિતિ નિયંત્રણ હેઠળ લેવામાં આવી છે.

(4:25 PM IST)