તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
આકાશમાંથી વરસશે અગનગોળા, કાળઝાળ ગરમીથી હમણાં કોઈ જ રાહત નહીં: IMD દ્વારા દેશભરમાં હીટવેવનું એલર્ટ વધુ એક અઠવાડિયા માટે લંબાવાયું, આગામી ૨૭ મે સુધી સૂર્યદેવ પૂર્વ-ઉત્તર ભારતને દઝાડશે!
યુપીનું બાંદા ૪૮ ડિગ્રી સાથે ભઠ્ઠીની જેમ ઉકળ્યું, દિલ્હી-એનસીઆરમાં પારો ૪૬ ડિગ્રીને પાર; અસામાન્ય ગરમ રાત્રીના કારણે હેલ્થ રિસ્ક વધ્યું, જાણો તમારા રાજ્યની લેટેસ્ટ આગાહી

નવી દિલ્હી : સમગ્ર ભારતમાં હાલ ઉનાળો તેના પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વર્ષાવી રહ્યા છે. જો તમે પણ ગરમીથી ત્રાસીને ટૂંક સમયમાં કોઈ રાહતની આશા રાખી રહ્યા છો, તો ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ આશા પર પાણી ફેરવી દીધું છે. હવામાન વિભાગે શનિવારે એક સત્તાવાર બુલેટિન જારી કરીને દેશના મોટાભાગના રાજ્યોમાં હીટવેવ (Heatwave) એટલે કે લૂની કડક ચેતવણીને આગામી ૨૭ મે સુધી લંબાવી દીધી છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આકાશ એકદમ સ્વચ્છ અને હવામાન શુષ્ક રહેશે, જેના કારણે અસહ્ય તાપમાનનો પારો વધુ આક્રમક બનશે.
હાલ સ્થિતિ એવી છે કે ઉત્તરીય મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ૩ થી ૬ ડિગ્રી સેલ્સિયસ ઊંચું નોંધાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશનું બાંદા (Banda) શહેર હાલ જાણે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેમ બુધવારે ત્યાં રેકોર્ડબ્રેક ૪૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ તરફ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆર (Delhi-NCR) માં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી પારો ૪૪ થી ૪૬ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પંખા-એસીને પણ ફેલ કરી રહ્યો છે. દિલ્હીના લોધી રોડ વેધર સ્ટેશન પર તાપમાન સામાન્ય કરતા ૫.૩ ડિગ્રી વધુ નોંધાતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માત્ર દિવસ જ નહીં, પરંતુ રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ૨૯ થી ૩૦ ડિગ્રી આસપાસ રહેતા લોકો અસહ્ય બફારા અને ગૂંગળામણ અનુભવી રહ્યા છે.
રાજ્યવાર હીટવેવની ભયાનક આગાહી પર એક નજર:
· દિલ્હી, હરિયાણા અને પંજાબ: આ પ્રદેશોમાં ૨૭ મે સુધી 'તીવ્ર હીટવેવ' (Severe Heatwave) ની સ્થિતિ જારી રહેશે. બપોરના સમયે પવન ફૂંકાવા સાથે કિલર લૂ ચાલશે.
· ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન: પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આખું સપ્તાહ આકરા ઉનાળાનું રહેશે. પશ્ચિમ રાજસ્થાનમાં ૨૫ થી ૨૭ મે દરમિયાન ગરમીનો પારો તમામ રેકોર્ડ તોડી શકે છે.
· પહાડી રાજ્યોમાં પણ આંચકો: મેદાની વિસ્તારોની ગરમીની અસર હવે પહાડો પર પણ દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના નીચાણવાળા વિસ્તારોમાં પણ હીટવેવનું એલર્ટ અપાયું છે.
મધ્ય, પૂર્વ અને દક્ષિણ ભારતની સ્થિતિ પણ નાજુક
ભૂમધ્ય ભાગોની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, વિદર્ભ, તેમજ દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમમાં ૨૫ મે સુધી અતિશય ગંભીર ગરમી પડશે. આ ઉપરાંત બિહાર, તેલંગાણા અને ઓડિશામાં ૨૫ મે સુધી અને ઝારખંડમાં ૨૩ મે સુધી સૂર્યનો પ્રકોપ યથાવત રહેશે. દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ અસહ્ય ગરમ પવનો ફૂંકાશે.
હવામાન વિભાગે ખાસ ચેતવણી આપી છે કે ઓડિશા, ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં 'વોર્મ નાઇટ' એટલે કે અસામાન્ય ગરમ રાત્રિની સ્થિતિ ચાલુ રહેશે, જે માનવ શરીરને આરામ કરવા દેશે નહીં. તબીબોએ આ સ્થિતિમાં લોકોને હીટ સ્ટ્રોક (લૂ લાગવી) થી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને મહત્તમ માત્રામાં પાણી તથા પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની કડક સલાહ આપી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
