<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

દિલ્હીમાં આ દિવાળીમાં ફટાકડા ધૂમ ફૂટ્યા: વેચાણમાં આશરે ૩૦ ટકાનો ધરખમ વધારો નોંધાયો, ગ્રીન ફટાકડાની જબરદસ્ત માગ

તહેવારોની સિઝનમાં રાજધાની દિલ્હીમાં કુલ ૩૦૦ કરોડ રૂપિયાના ફટાકડાનું રેકોર્ડબ્રેક વેચાણ થવાની સાથે દિવાળીના એક દિવસ અગાઉ જ દુકાનોમાંથી સ્ટોક ખાલી

નવી દિલ્હી : દિવાળીના તહેવાર દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે ફટાકડાનું રેકોર્ડબ્રેક વેચાણ નોંધાયું છે, જ્યાં ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના અંદાજ મુજબ આશરે ૩૦૦ કરોડ રૂપિયાના ફટાકડા ફૂટ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વખતે ફટાકડાના વેચાણમાં આશરે ૩૦ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દિવાળીના એક દિવસ પહેલાં જ મોટાભાગના લાઇસન્સ ધરાવતા વેપારીઓનો સ્ટોક સંપૂર્ણપણે પૂરો થઈ ગયો હતો, જેના કારણે અનેક ગ્રાહકોએ ફટાકડા ખરીદવા માટે ગુરુગ્રામ, નોઇડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને સોનીપત જેવા આસપાસના વિસ્તારો સુધી લંબાવવું પડ્યું હતું.

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ દિલ્હી-NCRમાં માત્ર CSIR-NEERI દ્વારા પ્રમાણિત અને QR કોડ ધરાવતા ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી આપવામાં આવી હોવાથી લાઇસન્સ વાળી દુકાનોમાં મુખ્યત્વે ગ્રીન ફટાકડાનું જ વેચાણ થયું હતું. જોકે, ગ્રાહકો માટે ગ્રીન અને પરંપરાગત ફટાકડા વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ હતો અને વેપારીઓ પણ માત્ર બ્રાન્ડ તથા QR કોડ ચકાસીને માલ લાવતા હતા. એક સર્વેક્ષણ અનુસાર દિલ્હી-NCRના અડધાથી વધુ પરિવારોએ ગ્રીન અને પરંપરાગત બંને પ્રકારના ફટાકડા ફોડ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે રૂ. ૩૦૦ કરોડના કુલ વેચાણમાંથી પ્રમાણિત ગ્રીન ફટાકડાનો ચોક્કસ હિસ્સો કેટલો હતો તેનો સત્તાવાર હિસાબ ઉપલબ્ધ થયો નથી.

સમગ્ર વ્યવસ્થા અંગે CTI દ્વારા કેટલીક મહત્વની ખામીઓ પણ સામે લાવવામાં આવી છે, જેમાં મંજૂરી મળવામાં થયેલો વિલંબ અને સમયની અછત મુખ્ય કારણ દર્શાવાયા છે. ગ્રાહકો અને વેપારીઓ બંને ગ્રીન ફટાકડા તરફ સકારાત્મક વલણ ધરાવતા હોવા છતાં લાઇસન્સ ફાળવણીમાં વિલંબ અને QR કોડની યોગ્ય ચકાસણી માટે તંત્ર પાસે સ્પષ્ટ વ્યવસ્થાનો અભાવ હોવાથી સમગ્ર પ્રક્રિયા પ્રભાવિત થઈ હતી. સમયસર મંજૂરી અને યોગ્ય આયોજનના અભાવે સ્ટોકની ખેંચ ઊભી થઈ હોવાનું પણ વેપારી સંગઠને સ્પષ્ટ કર્યું છે.

આગામી તહેવારોની સિઝનમાં વાયુ પ્રદૂષણ અને કાયદાકીય નિયમોના સંતુલન માટે CTI દ્વારા ચોક્કસ સુધારાત્મક પગલાં લેવા આકલન કરવામાં આવ્યું છે. સંસ્થાના જણાવ્યા મુજબ જો આગામી વર્ષે વહીવટી તંત્ર દ્વારા સમયસર વેચાણની મંજૂરી અને લાઇસન્સ આપવામાં આવે, QR કોડની ચકાસણી માટે મજબૂત અને સ્પષ્ટ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરાય તથા પૂરતો સ્ટોક ઉપલબ્ધ બનાવાય તો દિલ્હીમાં ૧૦૦ ટકા પ્રમાણિત ગ્રીન ફટાકડાનું વેચાણ સુનિશ્ચિત કરી શકાશે.

(1:00 AM IST)