તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
વેલિંગ્ટનમાં ટીમ ઈન્ડિયાના વિમાનને ઉતારવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ :26 મિનિટ સુધી હવામાં અટક્યા ખેલાડીઓના શ્વાસ
વિમાન રનવેની નજીક પહોંચ્યું પરંતુ તેજ પવનને કારણે પાઈલટે તેને ફરીથી ઉપર લઈ જવું પડ્યું.

ન્યૂઝીલેન્ડમાં ત્રીજી વન-ડે (ODI) મેચ બાદ, ભારતીય ટીમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂ કરવા માટે વેલિંગ્ટન ગયું, જ્યારે બીજું જૂથ વન-ડે શ્રેણીની છેલ્લી બે મેચો માટે માઉન્ટ મૌંગાનુઈ પહોંચ્યું. છેલ્લી બે વન-ડે મેચો માટે માઉન્ટ મૌંગાનુઈ પહોંચેલા આ જૂથની યાત્રા ખૂબ જ શાનદાર રહી; ત્યાં તેમનું સ્વાગત પરંપરાગત 'હાકા' નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું.જોકે, ટેસ્ટ ટીમ જેમાં શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને અંશુલ કંબોજ સહિત 8-10 સભ્યો સામેલ હતા, તેણે વેલિંગ્ટનમાં પગ મૂકતા પહેલા જ એક ભયાનક અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું.
Revsportzના જણાવ્યા અનુસાર, ભારતીય ટેસ્ટ ટીમના સભ્યો હેમિલ્ટનથી વેલિંગ્ટન જવા માટે એર ન્યૂઝીલેન્ડની ફ્લાઇટ NZ5817માં રવાના થયા હતા. ટેસ્ટ ટીમના ખેલાડીઓ ઉપરાંત, આ ફ્લાઇટમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સહિતનો સપોર્ટ સ્ટાફ પણ સવાર હતો. આ વિમાન સ્થાનિક સમય મુજબ સવારે 11:43 વાગ્યે હેમિલ્ટનથી ઉપડ્યું હતું. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ જ્યારે વિમાન વેલિંગ્ટન એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે તેને જોરદાર ક્રોસવિંડ અને ટર્બુલેંસનો સામનો કરવો પડ્યો. પરિણામે, વિમાનને ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
વેલિંગ્ટન એરપોર્ટને વિશ્વના સૌથી પડકારજનક એરપોર્ટમાંનું એક માનવામાં આવે છે, કારણ કે તે ટેકરીઓથી ઘેરાયેલું છે. બપોરે લગભગ 12:45 વાગ્યે, જ્યારે વિમાન રનવેથી થોડા સો ફૂટ ઉપર પહોંચ્યું, ત્યારે પવનના જોરદાર ઝાપટાં અને ટર્બ્યુલન્સને કારણે પાઇલટોએ લેન્ડિંગ પ્રક્રિયા અધવચ્ચેથી અટકાવી દેવી પડી. ત્યારબાદ તેમણે 'ગો-અરાઉન્ડ' કરવાનો નિર્ણય લીધો એટલે કે લેન્ડિંગનો પ્રયાસ પડતો મૂકીને વિમાનને ફરીથી હવામાં ઉપર લઈ ગયા.
ત્યારબાદ વિમાન ફરીથી 5,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પહોંચ્યું. પવન શાંત થયા પછી, પાયલોટોએ ટીમ ઈન્ડિયાને લઈ જઈ રહેલા વિમાનને ઉતારવાનો બીજો પ્રયાસ કર્યો, જે સફળ રહ્યો. ભારતીય ટેસ્ટ ખેલાડીઓને લઈને આવી રહેલું આ વિમાન આખરે બપોરે 1:06 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું, જે નિર્ધારિત સમય કરતાં લગભગ 26 મિનિટ મોડું હતું.
ભારતીય ખેલાડીઓ માટે આ ચોક્કસપણે જીવ અધ્ધર થઈ જાય તેવી ક્ષણ હતી, પરંતુ સદભાગ્યે, ટર્બ્યુલન્સને કારણે સર્જાયેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે સામાન્ય ઉઝરડો પણ આવ્યો નથી. સફળ અને સુરક્ષિત લેન્ડિંગ બાદ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ19 નવેમ્બરથી શરૂ થવાની છે, જેમાં પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
