તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
કેદારનાથ ધામમાં પૂ. મોરારિબાપુની 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાના પ્રથમ ચરણની પૂર્ણાહુતિ : "ચાર ધામોનું સ્વસ્તિક નિર્માણ એ આદિ શંકરાચાર્યજીનું ઐતિહાસિક પ્રદાન" - પૂ. બાપુ
કન્યાકુમારીથી પ્રારંભ થયેલી યાત્રામાં બે વિશેષ ટ્રેનો દ્વારા જોડાયા દેશ-વિદેશના ભાવિકો : નૂતનવર્ષમાં દ્વારકાથી બીજા ચરણનો થશે પ્રારંભ

ઈશ્વરિયા : પૂ. મોરારિબાપુ દ્વારા 'ભારત સ્વસ્તિક યાત્રા' અંતર્ગત યોજાયેલી રામકથાના પ્રથમ તબક્કાનું ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામમાં ભવ્ય સમાપન થયું છે. 'મંગલ ભવન અમંગલ હારી...' વંદના પંક્તિને કેન્દ્રમાં રાખી કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા દેશના વિવિધ રાજ્યોના તીર્થસ્થાનોથી પસાર થઈને કેદારનાથ પહોંચી હતી.
કથાગાનની શરૂઆત કરતા પૂ. મોરારિબાપુએ કેદારેશ્વર મહાદેવ, હિમાલય, તુલસીદાસજી, વેદ પુરાણ તેમજ આદિ શંકરાચાર્યજીની નિર્વાણ ભૂમિનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જન્મભૂમિ કાલડીથી કેદારનાથ સુધીની સનાતન ધર્મયાત્રાને યાદ કરતા ભાવ વ્યક્ત કર્યો હતો કે જમુનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા એટલે આ ભૂભાગ પર આદિ શંકરાચાર્યજી દ્વારા 'સ્વસ્તિક' નું નિર્માણ થયું છે. સ્વસ્તિકને ઓમનો પર્યાય ગણાવતા તેમણે આ યાત્રામાં નિરાકાર અને સાકારના દિવ્ય દર્શન કરાવ્યા હતા.
પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ પ્રસંગે પૂ. બાપુએ એક અનાયાસે મળેલી રચના પંક્તિ 'સ્વસ્તિક સુભગ સકલ દીસી, દક્ષિણ ઉત્તર ધામ, પશ્ચિમ પૂરણ પૂર્ણતા, ભક્ષા અરુ ભજન, સમાધિ અરુ સામ' નું ગાન કરી આ કથા માટે તેને સંપૂર્ણ યોગ્ય ગણાવી હતી અને આ રચના કોઈ અવધૂત દ્વારા રચાયેલ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ રામકથાનો મુખ્ય હેતુ અખંડ ભારતને તેમજ દેશ અને દુનિયાને આધ્યાત્મિક ભાવે જોડવાનો હોવાનું તેમણે જણાવ્યું હતું. હિમાલયની કઠિન યાત્રા દરમિયાન સહયોગ આપવા બદલ સેના, સ્થાનિક અગ્રણીઓ, સહયોગીઓ અને કથાપ્રેમીઓનો આભાર માનવાની સાથે તેમણે યાત્રાની કઠિનતા બદલ ક્ષમાભાવ પણ વ્યક્ત કર્યો હતો.
શનિવાર તા. ૧૦ થી શુક્રવાર તા. ૨૩ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા આ પ્રથમ ચરણમાં ગુજરાત, ભારત તેમજ વિશ્વભરમાંથી હજારો ભાવિકો 'કૈલાસ' અને 'ચિત્રકૂટ' નામની બે વિશેષ રેલગાડીઓ દ્વારા જોડાયા હતા અને કથા શ્રવણ સાથે તીર્થદર્શનનો લાભ લીધો હતો. હવે આ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ નૂતનવર્ષમાં દ્વારકાથી શનિવાર તા. ૧૪ ના રોજ થશે અને જગન્નાથપુરી ખાતે રવિવાર તા. ૨૨ ના રોજ તેનું ભવ્ય સમાપન થશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
