<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

પહેલા જેન્‍ડર ચેન્‍જ કરાવ્‍યું પછી મામા-ફોઈની બહેનોએ એકબીજા સાથે લગ્ન કરી લીધા

બિહારના જમુઈ જિલ્‍લામાંથી સામે આવેલી એક અનોખી લવ સ્‍ટોરી હાલમાં સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય

જમુઈ તા.૨: બિહારના જમુઈ જિલ્‍લામાંથી સામે આવેલી એક અનોખી લવ સ્‍ટોરી હાલમાં સમગ્ર વિસ્‍તારમાં ચર્ચાનો વિષય બની છે. લક્ષ્મીપુર પંથકની રહેવાસી બે યુવતીઓએ કથિત રીતે લાંબા સમય સુધી પ્રેમ સંબંધમાં રહ્યા બાદ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. તેમાંથી એક યુવતીએ લગ્ન કરવા માટે થઈને જેન્‍ડર પણ ચેન્‍જ કરાવ્‍યું હતું. લગ્નની જાણકારી મળ્‍યા બાદ બંનેના પરિવારમાં વિવાદ વધી ગયો અને બંને ઘર છોડીને કોઈ અજાણી જગ્‍યાએ રહેવા જતી રહી છે. પરિવારના લોકો આ બંને છોકરીને શોધવામાં લાગી ગયા છે.

સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર, નયાંશી બિહાર લોક સેવા આયોગમાં સિલેક્‍ટ થયેલી શિક્ષિકા છે અને મેદનીપુર પ્રાથમિક શાળામાં તૈનાત છે. કહેવાય છે કે નોકરી પર કોઈ પણ પ્રકારની અસર ન પડે, એટલા માટે બંનેએ આપસી સહમતિથી જેન્‍ડર ચેન્‍જ કરવાનો નિર્ણય લીધો.

હરલા પંચાયતના વોર્ડ સભ્‍ય રાજેશ દાસનો દાવો છે કે રાખીએ લગભગ છ મહિના પહેલા દિલ્‍હી એઈમ્‍સમાં જેન્‍ડર ચેન્‍જ કરાવ્‍યું હતું. ત્‍યાર બાદ તેનું નામ રાહુલ રાખ્‍યું. કહેવાય છે કે ઓપરેશન દરમ્‍યાન તે લગભગ એક મહિના સુધી હોસ્‍પિટલમાં દાખલ રહી હતી. સ્‍થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં આર્થિક ખર્ચ ઉઠાવવા માટે લોનની વ્‍યવસ્‍થા કરી હતી. જો કે આ સંબંધમાં કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

પરિવારના જણાવ્‍યા અનુસાર, ૩૧ મેની સવારે રાખી ઘરેથી મોબાઈલ ખરીદવાની વાત કહીને નીકળી હતી. બાદમાં પરિવારને જાણકારી મળી કે નયાંશી સાથે તેણે મંદિરમાં લગ્ન કરી લીધા છે. રવિવારે બંનેએ કથિત રીતે પટેશ્વર નાથ મંદિરમાં લગ્ન કર્યા અને પછી રાખીના ઘરે જતી રહી હતી. લગ્નના નિર્ણયથી આખા વિસ્‍તારમાં ચર્ચા શરુ થઈ ગઈ અને બંનેના પરિવાર વચ્‍ચે તણાવ વધી ગયો.

રાહુલ (પૂર્વમાં રાખી)ની મોટી બહેન રેણુ દેવીના જણાવ્‍યા અનુસાર, પરિવારને પહેલાથી લગ્નની કોઈ જાણકારી નહોતી. લગ્ન બાદ જ્‍યારે બંને ઘર પહોંચ્‍યા, ત્‍યારે તેમને ખબર પડી. રેણુ દેવીનો આરોપ છે કે રવિવાર રાતે નયાંશીના માતા-પિતા અને અન્‍ય પરિવારના લોકો ઘરે પહોંચ્‍યા અને લગ્નનો વિરોધ કરતા હોબાળો કરવા લાગ્‍યા. તેમણે ઘરનો ગેટ તોડવાની પણ કોશિશ કરી હતી. સ્‍થિતિ ખરાબ થતાં પરિવારના લોકોએ બંનેને પાછલા દરવાજાથી સુરક્ષિત બહાર કાઢી હતી.

હોબાળા બાદ રાહુલ અને નયાંશી બંને ઘર છોડીને ક્‍યાંક જતી રહી છે. હાલમાં તેમના લોકેશનને લઈ સ્‍પષ્ટ જાણકારી નથી. બંને પરિવારના લોકો પોતપોતાની રીતે તેમને શોધી રહ્યા છે. લક્ષ્મીપુર અને આજુબાજુના વિસ્‍તારમાં આ મામલો ચર્ચાનો વિષય બન્‍યો છે. જ્‍યારે પરિવારના લોકો ચિંતામાં છે

(9:54 AM IST)