તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૧૫-૧૬ સપ્ટેમ્બર દરમિયાન 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬'નું ભવ્ય આયોજન : કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરાવશે શુભારંભ
૬૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ હિસ્સેદારો ભાગ લેશે અને ૧૨૫ થી વધુ પ્રદર્શનકર્તાઓ આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં ભાગ લેશે : ૧૭-૧૮ સપ્ટેમ્બર દરમિયાન ૮૦ એક્સેલરેટર સત્રો યોજાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર તા. ૧૫ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF) ૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ફોરમનું સંયુક્ત ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે.
આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB), ફિનિશ ઇનોવેશન ફંડ સિત્રા (Sitra), ફિનલેન્ડ સરકાર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC), ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફોરમનું આયોજન 'સર્ક્યુલર ઇકોનોમી: ટ્રાન્સિશન ફોર પીપલ એન્ડ પ્રોસ્પેરીટી' થીમ હેઠળ કરાશે.
ઉદ્ઘાટન સત્રના મુખ્ય અતિથિઓ અને વિષયવસ્તુ:
તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાનારા ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભારતમાં ફિનલેન્ડના રાજદૂત એચ.ઈ. મિક્કો કિવિકોસ્કી, સિત્રાના પ્રમુખ એટે જાસ્કેલાઈનન, નેધરલેન્ડના આર્થિક બાબતો અને આબોહવા મંત્રાલયના સર્ક્યુલર ઇકોનોમી નિયામક શ્રીમતી મેરીકે સ્પાઇકરબોઅર તેમજ ભારત અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સર્ક્યુલરિટીનો મુખ્ય હેતુ હાલની સામગ્રી અને ઉત્પાદનોનો પુનઃઉપયોગ, રિફર્બિશિંગ અને રિસાઇક્લિંગ કરીને તેને મૂલ્યવાન સંસાધનો તરીકે ફરીથી અર્થતંત્રમાં લાવવાનો છે.
વૈશ્વિક ભાગીદારી અને સત્રોનું આયોજન:
WCEF 2026 માં અંદાજે ૬૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ હિસ્સેદારો જેવા કે વ્યાપારી નેતાઓ, ઉદ્યોગસાહસિકો, સંશોધકો, નીતિ ઘડવૈયાઓ અને શિક્ષણવિદો ભાગ લેશે. ૧૫-૧૬ સપ્ટેમ્બર દરમિયાન આ ફોરમમાં AI નો ઉપયોગ, રોજગાર ક્ષમતા, ઉર્જા ઉત્પાદન, નાણા, શાસન, ટકાઉ ઉત્પાદનો અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ૦૪ પ્લેનરી અને ૧૬ થીમ આધારિત સત્રો યોજાશે. આ ઉપરાંત, ૧૨૫ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકર્તાઓ સાથેનો એક્સ્પો સ્ટાર્ટ-અપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા વ્યવહારુ ઉકેલોનું પ્રદર્શન કરશે.
તા. ૧૭-૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, વૈશ્વિક સહયોગીઓ ગાંધીનગર તેમજ વિશ્વભરના અન્ય સ્થળોએ ઓનલાઇન/હાઇબ્રિડ અને રૂબરૂમાં ૮૦ એક્સેલરેટર સત્રો સ્વતંત્ર રીતે યોજશે.
સમાપન સમારોહ:
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાનારા સમાપન સમારોહમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ફિનલેન્ડના આબોહવા અને પર્યાવરણ મંત્રી શ્રીમતી સારી મુલ્તાલા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. કાર્યક્રમનું સમાપન સિત્રાના પ્રમુખ દ્વારા આગામી યજમાનને વિધિવત હેન્ડઓવર કરીને કરવામાં આવશે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
