<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત નામાંકિત સભ્ય બનશે ડેપ્યુટી ચેરમેન : હરિવંશ સિંહે નોંધાવી ઉમેદવારી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા નોમિનેટ, JDUએ ન મોકલ્યા તો ક્વોટામાંથી ત્રીજો કાર્યકાળ મળ્યો; ઉપસભાપતિ પદ માટે ફરી ચૂંટાશે

નવી દિલ્હી, તા.16 : સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્ય રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન બને તેવી શક્યતા સર્જાઈ છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભામાં નોમિનેટ કર્યા છે અને તેઓ ત્રીજા કાર્યકાળ માટે સાંસદ બન્યા છે. 

 

હરિવંશ નારાયણ સિંહનો JDUના સભ્ય તરીકેનો કાર્યકાળ 9 એપ્રિલ 2026ના રોજ સમાપ્ત થયો હતો. આ વખતે જનતા દળ યુનાઈટેડે તેમને ફરીથી રાજ્યસભામાં મોકલ્યા ન હતા. ઉપલા ગૃહમાંથી તેમની વિદાય નિશ્ચિત માનવામાં આવતી હતી. પરંતુ છેલ્લી ક્ષણે રાષ્ટ્રપતિએ તેમના ક્વોટામાંથી હરિવંશને નામાંકિત સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તેઓ સતત ત્રીજી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે.

 

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાષ્ટ્રપતિને સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર 12 સભ્યોને નામાંકિત કરવાની સત્તા છે. નામાંકિત સભ્યનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની નિવૃત્તિ બાદ ખાલી પડેલી બેઠક પર હરિવંશની નિમણૂક કરવામાં આવી છે.

 

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીકના ગણાતા 69 વર્ષીય હરિવંશ વ્યવસાયે પત્રકાર છે. તેઓ 2014માં પ્રથમ વાર JDU તરફથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. 9 ઓગસ્ટ 2018ના રોજ તેઓ પ્રથમ વખત રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટાયા અને 14 સપ્ટેમ્બર 2020ના રોજ બીજી વખત ઉપસભાપતિ બન્યા. હવે નામાંકિત સભ્ય તરીકે તેમની ફરીથી ઉપસભાપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

 

બંધારણીય જોગવાઈ મુજબ રાજ્યસભાનો કોઈપણ સભ્ય ઉપસભાપતિ બની શકે છે. શરત માત્ર એટલી છે કે તે વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય હોવો જોઈએ. નામાંકિત સભ્યો પણ ઉપસભાપતિની ચૂંટણીમાં મત આપી શકે છે અને પોતે ઉમેદવાર પણ બની શકે છે. સરકાર અને વિપક્ષની સહમતિથી સામાન્ય બહુમતીથી ચૂંટણી થાય છે. સહમતિ સધાશે તો સંસદના ઇતિહાસમાં પ્રથમ વખત નામાંકિત સભ્ય ઉપસભાપતિ બનશે.

(4:35 PM IST)