News of Thursday, 7th May 2026
લેબેનોનથી પાંચ ભારતીયોની સલામત 'ઘરવાપસી': યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય દૂતાવાસનો મોટો નિર્ણય, લેબેનોન સરકારના સહયોગથી વતન પરત ફર્યા
ઇઝરાયેલ-લેબેનોન વચ્ચે વધતી જતી અશાંતિ અને એર સ્ટ્રાઈક વચ્ચે ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ: અગાઉ ૧૭૭ લોકો પરત આવ્યા હતા, હજુ પણ સંપર્ક અભિયાન ચાલુ

બેરૂત,: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઇઝરાયેલી હુમલાઓ વચ્ચે લેબેનોનમાં ફસાયેલા વધુ પાંચ ભારતીય નાગરિકોની સલામત રીતે ભારત પરત લાવવામાં સફળતા મળી છે. બેરૂત સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે. આ કામગીરીમાં લેબેનોન સત્તાવાળાઓએ આપેલા સહકાર બદલ દૂતાવાસે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. જોકે, સુરક્ષાના કારણોસર પરત ફરેલા નાગરિકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
યુદ્ધના પડછાયા વચ્ચે દૂતાવાસની સક્રિયતા
લેબેનોનમાં હાલમાં સ્થિતિ અત્યંત નાજુક છે. અમેરિકાની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ કરાર છતાં દક્ષિણ અને પૂર્વ લેબેનોનમાં ઇઝરાયેલી એર સ્ટ્રાઈક ચાલુ છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. આવા ગંભીર સંજોગોમાં ભારતીય દૂતાવાસ ત્યાં વસતા ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છે. ભારતીય રાજદૂત નૂર રહેમાન શેખે તાજેતરમાં લેબેનોનના જનરલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ હસન ચૌકેર સાથે મુલાકાત કરી હતી અને ભારતીયોના કલ્યાણ અને સુરક્ષા અંગે ગંભીર ચર્ચા કરી હતી.
અગાઉ ૧૭૭ ભારતીયોને એરલિફ્ટ કરાયા હતા
આ પહેલીવાર નથી જ્યારે લેબેનોનથી ભારતીયોને પરત લાવવામાં આવ્યા હોય. આ વર્ષે માર્ચ મહિનામાં ૧૭૭ ભારતીય નાગરિકોનો પ્રથમ જથ્થો ચાર્ટર ફ્લાઇટ દ્વારા દિલ્હી પરત ફર્યો હતો. તે સમયે પણ ભારતીય રાજદૂત પોતે એરપોર્ટ પર હાજર રહીને તમામને વિદાય આપી હતી. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ લેબેનોનમાં રહેતા દરેક ભારતીય નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને જરૂર પડ્યે તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
પ્રાદેશિક તણાવમાં વધારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેબેનોનમાં ઇઝરાયેલી હુમલાઓને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ખાસ કરીને ઝેલાયા શહેરમાં થયેલા હુમલાઓએ વૈશ્વિક ચિંતા વધારી છે. આ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીયોને સુરક્ષિત રાખવા માટે દરેક સંભવ પ્રયાસો કરી રહ્યું છે. પરત ફરેલા પાંચ ભારતીયોના પરિવારોમાં હવે રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
