<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

દિલ્હીના ચાવરી બજારમાં ઈમારત ધરાશાયી થવાની ગોઝારી દુર્ઘટનાના પાંચ મહિના અગાઉ જ પોલીસે અનધિકૃત બાંધકામ અંગે MCD ને કરી હતી લેખિત જાણ

સુરક્ષાના દાવાઓની પોલ ખોલતા દસ્તાવેજો સામે આવતા હડકંપ, મકાનમાલિકની મનમાની અને તંત્રની લાપરવાહીને કારણે બે લોકોના ભોગ લેવાયા

નવી દિલ્હી, તા.૦૬: રાજધાની દિલ્હીના ચાવરી બજાર વિસ્તારમાં ગુરુવારે સર્જાયેલી નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાની જીવલેણ દુર્ઘટના મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે, જ્યાં આ ભયાનક અકસ્માત સર્જાવાના પાંચ મહિના કરતાં પણ વધુ સમય પહેલાં દિલ્હી પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) ને પત્ર લખીને આ મિલકતમાં ચાલી રહેલા ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામ અંગે સ્પષ્ટ ચેતવણી આપી હતી.

સામને આવેલા સત્તાવાર દસ્તાવેજો અનુસાર, ગત ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ હૌઝ કાઝી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) દ્વારા MCD ના સિટી એસપી ઝોનના ડેપ્યુટી કમિશનરને પત્ર પાઠવીને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે અજમેરી ગેટ વિસ્તારની ગલી શીશ મહલ ખાતે આવેલા મકાન નં. ૪૫૪૭-૪૮ પર ફરકાન નામના વ્યક્તિ દ્વારા કોઈપણ મંજૂરી વગર નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, અને પોલીસે તંત્રને જરૂરી કાર્યવાહી કરવા તથા જરૂર પડ્યે પોલીસ સહાય પૂરી પાડવાની તૈયારી પણ દર્શાવી હતી.

આ ગંભીર મામલો સામે આવ્યા બાદ MCD દ્વારા પોતાના બચાવમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અગાઉ એપ્રિલ મહિનામાં મકાનમાલિકને માત્ર જર્જરિત મિલકતના સમારકામ માટે જ સલાહકારી સૂચના આપવામાં આવી હતી, પરંતુ મકાનમાલિકે આ મંજૂરીની આડમાં નિયમો વિરુદ્ધ જઈને છૂપી રીતે સંપૂર્ણ નવી ઈમારત ઊભી કરી દીધી હતી અને ઉતાવળમાં ત્રીજા માળનું લિન્ટલ (આડું બીમ) હટાવી લેવાને કારણે આખી ઇમારત ધરાશાયી થઈ હતી.

સાંકડી ગલીઓમાં બનેલી આ દુર્ઘટનામાં ભારે જાનહાનિ ટળતી અટકી શકી નહોતી અને બે નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે રાહત અને બચાવ કામગીરી દરમિયાન પણ સાંકડા રસ્તાઓને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના પગલે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ સમગ્ર મામલાની કડક નોંધ લઈને તપાસના આદેશ આપ્યા હતા.
 

મુખ્યમંત્રીના આદેશ બાદ નાગરિક સંસ્થા દ્વારા ત્વરિત કાર્યવાહી કરતા બે જવાબદાર અધિકારીઓ—સહાયક ઇજનેર મોહમ્મદ નઈમ અને જુનિયર ઇજનેર અમન દલાલને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, તેમજ બિલ્ડિંગના માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૫ હેઠળ ગુનાહિત હત્યા સમાન ગુનો નોંધીને કાયદેસરની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

(5:27 PM IST)