News of Monday, 8th June 2026
જયપુરમાં પ ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફરશેઃ હાઈએલર્ટ
રસ્તો પહોળો કરવા કાર્યવાહીઃ સોશિયલ મિડીયા પર સંપૂર્ણ પ્રતિબંધઃ ૩ હજાર જવાનો તૈનાતઃ ઈન્ટરનેટ બંધ

જયપુર,તા.૮: રાજસ્થાનના પાટનગર અને ‘પિંક સિટી' તરીકે ઓળખાતા જયપુરમાં આજે વહીવટીતંત્રનો પીળો પંજો એટલે કે બુલડોઝર ફરી એકવાર મોટી કાર્યવાહી કરવા જઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર શહેરમાં ભારે તણાવ અને ચુસ્ત સુરક્ષાનો માહોલ છે. માલવિયા નગર વિસ્તારમાં નંદપુરી અંડરપાસ નજીક વર્ષોથી બંધ પડેલા ૮૦ ફૂટના રસ્તાને ખુલ્લો કરવા માટે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ કમર કસી છે. આ માર્ગમાં અવરોધરૂપ બનેલા પાંચ ધાર્મિક સ્થળો, જેમાં એક મસ્જિદ, ત્રણ મંદિરો અને એક ધાર્મિક મંડળ હોલના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની કોમી અશાંતિ કે અફવાઓ ન ફેલાય તે માટે પ્રશાસને અગમચેતીના ભાગરૂપે ૯ જૂનની મધ્યરાત્રિ સુધી સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ અને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સંપૂર્ણપણે બ્લોક કરી દીધા છે.
સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે વહીવટીતંત્રે સમગ્ર માલવિયા નગર વિસ્તારને સીલ કરી દીધો છે અને ત્યાં કલમ ૧૬૩ (ભૂતપૂર્વ કલમ ૧૪૪) લાગુ કરીને સામાન્ય નાગરિકોની અવરજવર પર સખત પ્રતિબંધ લાદી દીધો છે. સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે માત્ર અદ્યતન ડ્રોન અને સીસીટીવી કેમેરાનો જ ઉપયોગ નથી થઈ રહ્યો, પરંતુ જમીની સ્તરે ૩,૦૦૦ થી વધુ હથિયારધારી પોલીસ કર્મચારીઓ અને આરએસી (RAC) ની ૧૨ વિશેષ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. અગ્રણી પોલીસ અધિકારીઓ ફોર્સ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફલેગ માર્ચ કરી રહ્યા છે, તેમજ સંભવિત વિરોધ પ્રદર્શનને ડામવા માટે મસ્જિદ અને મંદિરોની આસપાસ ત્રણ સ્તરનું લોખંડી બેરિકેડિગ ઊભું કરી દેવામાં આવ્યું છે.
આ આકરી કાર્યવાહી પાછળ ટ્રાફિકની મોટી સમસ્યાનું નિવારણ છુપાયેલું છે. વાસ્તવમાં, જગતપુરાને નંદપુરી અંડરપાસ સાથે જોડતો આશરે ૧.૫ કિલોમીટર લાંબો રસ્તો સરકારી રેકોર્ડ પર ૮૦ ફૂટનો છે, પરંતુ ગેરકાયદેસર દબાણોને કારણે હાલમાં તે માત્ર ૨૫ થી ૩૦ ફૂટ જ બચ્યો છે, જેના લીધે હરે કૃષ્ણ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ રસ્તો પહોળો થવાથી વિસ્તારની ૬ મુખ્ય વસાહતો ઉપરાંત માલવિયા નગર, પ્રધાન માર્ગ અને એપેક્સ સર્કલ તરફની આશરે ૫૦ થી વધુ સોસાયટીઓના લાખો વાહનચાલકોને સીધી અને શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળશે, જેનાથી પિક સિટીના ટ્રાફિક માળખામાં મોટો સુધારો થશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
