તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
સાઉદી અરેબિયા જતી ફલાઈટ્સ ૨૪ ઓક્ટોબર સુધી રદ
ઈન્ડિગો અને આકાસા એરે રિયાધ, જેદ્દાહ અને મદીના સહિતના અનેક શહેરો માટેની ફલાઈટ્સ ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી રદ કરી દીધી છે : ઈન્ડિગો અને આકાસા એરની જાહેરાત

નવી દિલ્હી તા.૧૬: ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે, સાઉદી અરેબિયાના શહેરો માટેની પોતાની ફલાઈટ્સ રદ કરવાની મુદત ૨૪ ઓક્ટોબર સુધી લંબાવી છે. અગાઉ મંગળવારે ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, એર ઈન્ડિયા અને આકાસા એરે સાઉદી અરેબિયાના શહેરો સાથે જોડાયેલી ફલાઈટ્સ ૧૭ ઓક્ટોબર સુધી રદ કરવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત આકાસા એરે જણાવ્યું છે કે, મધ્ય પૂર્વમાં હાલની સુરક્ષા પરિસ્થિતિને જોતા તેમણે રિયાધ આવતી-જતી તમામ ફલાઈટ્સ ૨૪ ઓક્ટોબર સુધી અને જેદ્દાહ આવતી-જતી ફલાઈટ્સ ૨૧ ઓક્ટોબર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં બદલાતી પરિસ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ રિયાધ, જેદ્દાહ, દમ્મામ અને મદીના આવતી-જતી ફલાઈટ્સ ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી રદ રહેશે. એરલાઈને વધુમાં જણાવ્યું કે, જે મુસાફરો આનાથી પ્રભાવિત થયા છે તેમને બુકિગ સમયે આપેલી સંપર્ક વિગતો દ્વારા સમયસર જાણ કરવામાં આવી રહી છે.
ફલાઈટ્સ રદ કરવાની મુદત લંબાવવાની જાહેરાત કરતા આકાસા એરે પણ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, તેઓ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે. કંપનીએ કહ્યું, આ ફલાઈટ્સ રદ થવાને કારણે પ્રભાવિત મુસાફરો સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે, જે સાત દિવસની અંદર મૂળ પેમેન્ટસ્ત્રોતમાં જમા થઈ જશે અથવા તેઓ કોઈપણ વધારાના ખર્ચ વિના તેમની મુસાફરીની તારીખો બદલી શકે છે.
ગયા અઠવાડિયે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલાઓ બાદ એરલાઈન્સે રિયાધ માટેની તેમની સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી હતી. ઈરાન સમર્થિત હુથી જૂથ અને સાઉદી અરેબિયા વચ્ચે સંઘર્ષ નોંધપાત્ર રીતે વકર્યો છે, જેમાં સશષ ડ્રોન અને મિસાઈલો દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
