હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારમાં પુરનો કહેર :દાનાપુર દિયારામાં પૂર વચ્ચે રાહત રાશન લેવા લોકો પાણીમાં ઉતરી સરકારી નાવ સુધી પહોંચ્યા
નાવમાં સરકારી કર્મચારીઓની આખી ટીમ પણ હાજર :સરકારી નાવ આગળ વધતાં જ મોટી સંખ્યામાં પૂરથી પરેશાન લોકો તેની તરફ દોડી આવ્યા:ઘણા લોકો પાણીમાં ઉતરીને નાવ સુધી પહોંચ્યા અને ત્યાંથી જાતે જ સૂકા રાશનના પેકેટ લેવા લાગ્યા

બિહારના દાનાપુર દિયારામાં પૂરનો સામનો કરી રહેલા લોકો સામે હવે રાહત રાશન મેળવવાનો પડકાર પણ ઊભો થયો છે. સ્થિતિ એવી બની કે રાહત સામગ્રી લેવા માટે લોકો પાણીમાં ઉતરીને સરકારી નાવ સુધી પહોંચતા જોવા મળ્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પૂરનાં પાણી વચ્ચે રાશન લેવા માટે લોકોની દોડધામ અને તેમની મજબૂરી જોવા મળી રહી છે. આ તસવીરો દાનાપુર દિયારાની માનસ પંચાયતની હોવાનું કહેવાય છે.
સરકાર તરફથી પૂર પીડિતો માટે સૂકું રાશન મોકલવામાં આવ્યું હતું. આ રાશન સરકારી નાવ મારફતે પંચાયતના એક વોર્ડમાં વિતરણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. નાવમાં સરકારી કર્મચારીઓની આખી ટીમ પણ હાજર હતી. સરકારી નાવ આગળ વધતાં જ મોટી સંખ્યામાં પૂરથી પરેશાન લોકો તેની તરફ દોડી આવ્યા. ઘણા લોકો પાણીમાં ઉતરીને નાવ સુધી પહોંચી ગયા અને ત્યાંથી જાતે જ સૂકા રાશનના પેકેટ લેવા લાગ્યા. થોડી જ વારમાં નાવની આસપાસ મોટી ભીડ એકઠી થઈ ગઈ.
વાયરલ વીડિયોમાં નાવમાંથી સૂકા રાશનના પેકેટ વહેંચવામાં આવતા જોવા મળે છે. પાણીની વચ્ચે ઊભેલા લોકો રાશન લેવા માટે નાવ તરફ આગળ વધી રહ્યા છે. કોઈ નાવમાંથી રાશનનું પેકેટ લઈને પાણીમાં ઉતરી રહ્યું છે, તો કોઈ પાણીમાં પડેલું પેકેટ ઉઠાવીને પાછું ફરતું જોવા મળે છે.
રાશન લેતી વખતે લોકો વચ્ચે ધક્કામુક્કી અને ખેંચતાણ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો એકસાથે અનેક પેકેટ લઈને નાવમાંથી પાણીમાં કૂદતા દેખાય છે. મોટી સંખ્યામાં લોકો નાવની નજીક પહોંચતા અને તેના પર ચઢતા નાવનું સંતુલન પણ બગડવા લાગ્યું હતું. આ મામલે દાનાપુરના એસડીએમ વિરૃપાક્ષ વિક્રમ સિંહે જણાવ્યું કે તેમણે પણ વાયરલ વીડિયો જોયો છે. ઘણા લોકોએ તેમને આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કેટલાક સરકારી કર્મચારીઓ નાવમાંથી સૂકું રાશન વહેંચતા જોવા મળી રહ્યા છે.
એસડીએમએ જણાવ્યું કે સૂકું રાશન એક દિવસ પહેલા તમામ પંચાયતોમાં પહોંચાડી દેવામાં આવ્યું હતું. વીડિયો સામે આવ્યા બાદ આ મામલે સીઓ પાસેથી પ્રાથમિક રિપોર્ટ લેવામાં આવ્યો. રિપોર્ટમાં સામે આવ્યું કે માનસ પંચાયતના એક વોર્ડમાં સરકારી નાવથી રાશન વિતરણ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. એસડીએમના જણાવ્યા અનુસાર, નાવમાં મહેસૂલ કર્મચારી અને પંચાયતના અલગ-અલગ અધિકારીઓ હાજર હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
