<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

જમ્‍મુ-કાશ્‍મીરમાં પૂરઃ લાલ ચોક ડૂબી ગયોઃ અમરનાથ યાત્રા રોકાઈ

પૂર અને ભૂસ્‍ખલનને કારણે ૨૪ લોકોનાં મોત

શ્રીનગર,તા.૨૧: સોમવારે સવારે ભારે વરસાદ બાદ જમ્‍મુ અને કાશ્‍મીરમાં પરિસ્‍થિતિ અત્‍યંત ગંભીર બની ગઈ છે. શ્રીનગરના મુખ્‍ય અને ઐતિહાસિક લાલ ચોક સહિત અનેક વિસ્‍તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. અત્‍યાર સુધીમાં પૂર અને ભૂસ્‍ખલનને કારણે ૨૪ લોકોનાં મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. પ્રતિકૂળ હવામાન અને પૂરના ભયને કારણે શ્રી અમરનાથ યાત્રા પણ અસ્‍થાયી રૂપે રોકી દેવામાં આવી છે. દરમિયાન, જમ્‍મુ અને કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્‍લા દિલ્‍હીમાં હોવાના અહેવાલ છે.

જમ્‍મુ અને કાશ્‍મીરમાં બીજા દિવસે પણ હવામાનનો કહેર ચાલુ રહ્યો. પૂંચ જિલ્‍લો સૌથી વધુ સંવેદનશીલ બન્‍યો છે. સોમવારે પૂંચમાં એક ઘર પર કાટમાળ પડતાં એક પરિવારના સાત સભ્‍યોના મોત થયા.

ડોડામાં બસ પર પથ્‍થર પડતાં બે લોકોએ જીવ ગુમાવ્‍યા. સોમવારે પાંચ મહિલાઓ સહિત ૧૨ લોકો હવામાન સંબંધિત આપત્તિનો ભોગ બન્‍યા. જમ્‍મુ અને કાશ્‍મીરમાં બે દિવસમાં હવામાને ૨૪ લોકોના જીવ લીધા છે. પૂર અને કાટમાળને કારણે છ લોકો હજુ પણ ગુમ છે. વધુમાં, ખતરો હજુ ટળ્‍યો નથી અને આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની શક્‍યતાને કારણે ખતરો છે.

કલમ ૩૭૦ રદ કર્યા પછી મુખ્‍ય પર્યટન સ્‍થળો તરીકે ઉભરી આવેલા લાલ ચોક અને ઘંટાઘરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પાણી ભરાઈ જવાથી શ્રીનગર સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ તપાસ હેઠળ આવ્‍યો છે.

ડ્રેનેજ સિસ્‍ટમની નિષ્‍ફળતા માટે જાહેર જનતા અને ઇન્‍ટરનેટ વપરાશકર્તાઓ વહીવટીતંત્રની ટીકા કરી રહ્યા છે. શ્રીનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશન (SMC) કહે છે કે લગભગ બે કલાક સુધી ભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્‍ટમ ઓવરફલો થઈ ગઈ હતી. પાણી ભરાયેલા વિસ્‍તારોમાંથી પાણી કાઢવા માટે પંપ લગાવવામાં આવ્‍યા છે. લ્‍પ્‍ઘ્‍ એ પણ દાવો કરે છે કે એપ્રિલ ૨૦૧૭ માં શરૂ થયેલા સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ હેઠળ મંજૂર કરાયેલા તમામ કામ પૂર્ણ થઈ ગયા છે.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. દરમિયાન, રાજાૈરીમાં મણવર નદીમાં પૂર આવતા એક હેલિકોપ્‍ટર દ્વારા એક વ્‍યક્‍તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્‍યો હતો. જિલ્‍લામાં બીજો એક મૃતદેહ મળી આવ્‍યો હતો. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, પૂંચ અને રાજાૈરી જિલ્‍લામાં બે દિવસમાં ૨૧ લોકોના મોત થયા છે. છ લોકો હજુ પણ ગુમ છે.

અહીંના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. કાશ્‍મીરમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન, ભદરવાહથી જમ્‍મુ જતી પેસેન્‍જર બસ પર રાગી નાલા નજીક પર્વત પરથી એક મોટો ખડક પડ્‍યો, જેમાં બે લોકો માર્યા ગયા અને ચાર અન્‍ય ઘાયલ થયા. ડોડામાં પણ કાશ્‍તીગઢમાં એક ઘર ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું.

સંરક્ષણ આર્કિટેક્‍ટ હકીમ સમીર હમદાનીએ આ પ્રોજેક્‍ટને આત્‍માહીન અને બનાવટી ગણાવ્‍યો, અને કહ્યું કે શહેરમાં વરસાદી પાણીનું સંચાલન અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે એક સંકલિત અને યોગ્‍ય સિસ્‍ટમનો અભાવ છે.

પાણી ભરાવાની પરિસ્‍થિતિ અંગે, CM ઓમર અબ્‍દુલ્‍લાએ કહ્યું કે થોડા વરસાદથી લાલ ચોક સહિત શહેરના મોટા ભાગો ડૂબી ગયા, જે ડ્રેનેજ સિસ્‍ટમની નિષ્‍ફળતા સ્‍પષ્ટપણે દર્શાવે છે. ઘ્‍પ્‍એ કહ્યું કે સરકાર જાણવા માંગે છે કે સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ હેઠળ અત્‍યાર સુધી ખરેખર શું પ્રાપ્ત થયું છે. કેબિનેટે સ્‍માર્ટ સિટી પહેલ હેઠળ આપવામાં આવેલા કોન્‍ટ્રાક્‍ટ અને પ્રોજેક્‍ટ્‍સના અમલીકરણ પર ચિતા વ્‍યક્‍ત કરી છે અને તેની નિષ્‍ફળતાની તપાસ માટે બાહ્ય ઓડિટનો આદેશ આપ્‍યો છે. ઉલ્‍લેખનીય છે કે ગયા વર્ષે, ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે લોકસભામાં માહિતી આપી હતી કે શ્રીનગરમાં રૂ.૩,૬૩૪ કરોડના ૧૬૧ સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ પૂર્ણ કરવાના છે.

૧૯ જુલાઈથી બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી શ્રી અમરનાથ યાત્રાને અસ્‍થાયી રૂપે સ્‍થગિત કરવામાં આવી છે. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને, સરકારે રાજ્‍યવ્‍યાપી શાળાઓની રજાઓ ૨૩ જુલાઈ સુધી લંબાવી છે.

(10:44 AM IST)