<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

નેપાળમાં પૂરનો મહાવિનાશ અને પાવર ક્રાઈસિસ: પડોશી દેશના અંધારપટને દૂર કરવા ભારતે લંબાવ્યો મદદનો હાથ, 654 મેગાવોટ વીજળી નિકાસને મંજૂરી

જળવિદ્યુત મથકો ઠપ્પ થતાં સંકટમાં ઘેરાયેલા નેપાળને ડિસેમ્બર સુધી દરરોજ 18 કલાક વીજળી આપશે ભારત; કુદરતી હોનારતમાં અત્યાર સુધી 1,385 લોકોના મોત

નવી દિલ્હી, તા.14: ભીષણ પૂર અને અચાનક આવેલી કુદરતી આફતે પડોશી દેશ નેપાળમાં ભારે તારાજી સર્જી છે. જળવિદ્યુત માળખાગત સુવિધાઓ (Hydroelectric Infrastructure) તબાહ થઈ જવાથી સર્જાયેલા ગંભીર વીજ સંકટ વચ્ચે ભારતે મિત્રતાની નવી મિશાલ કાયમ કરી છે. નેપાળની તાકીદની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારના વિદ્યુત મંત્રાલયે 13 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નેપાળને 654 મેગાવોટ સુધીની વીજળીની નિકાસ કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

 

આ મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ 'નેપાળ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટી'ને દરરોજ મધ્યરાત્રિથી સાંજના 18:00 કલાક સુધી (18 કલાક) વીજળી પૂરવઠો મેળવવાની છૂટ મળશે. વિદ્યુત મંત્રાલયના જણાવ્યા મુજબ, 600 મેગાવોટ વીજળી મુઝફ્ફરપુર-ધાલકેબાર 400 kV D/c લાઈન મારફતે અને બાકીની 54 મેગાવોટ વીજળી તનકપુર-મહેન્દ્રનગર 132 kV S/c લાઈન દ્વારા સપ્લાય કરવામાં આવશે. ડિસેમ્બર 2026માં સમીક્ષા કર્યા બાદ જાન્યુઆરી 2027થી આગળની નિકાસનો નિર્ણય લેવાશે. મુશ્કેલીના આ સમયમાં ભારત અને નેપાળ વચ્ચેનો આ નિર્ણય બંને દેશોના ગાઢ ઊર્જા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

 

બીજી તરફ, નેપાળના 'નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી' (NDRRMA) ના તાજેતરના રિપોર્ટ મુજબ, પૂર-ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક વધીને 1,385 પર પહોંચ્યો છે, જ્યારે 5,130 લોકો હજુ પણ ગુમ છે. આ મહાહોનારતમાં ભારતે માનવતાવાદી અભિગમ દાખવી બચાવ, રાહત અને ફોરેન્સિક કામગીરી માટે 54 નિષ્ણાત કર્મચારીઓ તથા 130 ટનથી વધુ રાહત સામગ્રી (ટેન્ટ, દવાઓ, સોલર લેમ્પ, ડીએનએ પ્રોફાઈલિંગ સાધનો) સાથે વાયુસેનાના 8 ખાસ વિમાનો કાઠમંડુ રવાના કર્યા છે.

 

(4:27 PM IST)